<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

અમદાવાદમાં હિટ એન્ડ રનની ગંભીર ઘટના : ડમ્પરની ટક્કરે એક્ટિવા ચાલકનું કરૂણમોત

YMCAથી સાણંદ સર્કલ તરફ જવાના માર્ગ પર એક એક્ટિવા ચાલકને પૂરપાટ ઝડપે આવતાં ડમ્પરે જોરદાર ટક્કર મારી

અમદાવાદ શહેરમાં હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે. YMCAથી સાણંદ સર્કલ તરફ જવાના માર્ગ પર એક એક્ટિવા ચાલકને પૂરપાટ ઝડપે આવતાં ડમ્પરે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર બાદ એક્ટિવા ચાલક રસ્તા પર પડી જતા ડમ્પરના પૈડાં નીચે કચડાઈ ગયો હતો. ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં અચાનક ભયનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકો સ્થળે એકત્ર થયા હતા.

અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા એક્ટિવા ચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું છે. ઘટના બાદ વાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રોડ પર લોહીલુહાણ સ્થિતિ અને ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસ દ્વારા નિયંત્રિત કરવામાં આવી હતી.

 

ઘટનાની જાણ થતા SG-02 ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા ડમ્પર ચાલકની શોધખોળ માટે CCTV ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. આસપાસના વિસ્તારોના કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે જેથી ફરાર થયેલા ડમ્પર ચાલકની ઓળખ થઈ શકે. પોલીસે આશ્વાસન આપ્યું છે કે ટૂંક સમયમાં આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હિટ એન્ડ રનની આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં ભારે વાહનોની બેદરકારી અને ટ્રાફિક સુરક્ષા મુદ્દે પ્રશ્નો ઉભા કર્યા છે.

(11:15 PM IST)