<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

સેવા સંકલ્પ અભિયાન: ગાંધીધામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જનસંવાદ, એક જ સ્થળે ૫૬થી વધુ સરકારી સેવાઓનો લાભ મળ્યો!

સેવા સેતુ કાર્યક્રમમાં CM એ સ્ટોલ્સની મુલાકાત લઈ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો: PM આવાસ અને PM સ્વનિધિ સહિતની યોજનાઓના મંજૂરી પત્રો એનાયત કરાયા

ગાંધીધામ : કચ્છના આર્થિક પાટનગર સમાન ગાંધીધામ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ભવ્ય ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ ઉપસ્થિતિ દર્શાવી હતી. મુખ્યમંત્રીએ વિવિધ સરકારી વિભાગો દ્વારા ઊભા કરવામાં આવેલા પ્રદર્શન અને સેવા સ્ટોલ્સની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી અને નાગરિકોને આપવામાં આવતી યોજનાકીય સુવિધાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી.

 

કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે મુક્તમને જનસંવાદ કર્યો હતો. તેમણે પીએમ આવાસ યોજના અને પીએમ સ્વનિધિ યોજના સહિતની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સ્થળ પર જ મંજૂરી પત્રો અને સહાયનું વિતરણ કર્યું હતું. વહીવટી તંત્ર દ્વારા સામાન્ય નાગરિકોને ઘરઆંગણે જ યોજનાઓનો લાભ મળી રહે તે માટે પારદર્શક આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

 

આધાર સુધારણાથી લઈ આયુષ્માન કાર્ડ સુધીની સુવિધાઓ ઉપલબ્ધ

 

આ સેવા સેતુ કેમ્પમાં સામાન્ય નાગરિકોને પડતી હાલાકી દૂર કરવા માટે એક જ છત નીચે ૫૬થી વધુ સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં આયુષ્માન ભારત કાર્ડ, આવક અને જાતિના દાખલા, આધાર કાર્ડ સુધારણા, રાશન કાર્ડને લગતી કામગીરી તેમજ અન્ય મહત્વના કાનૂની દસ્તાવેજોનું સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. એક જ સ્થળે તમામ પ્રક્રિયા પૂરી થતાં ગાંધીધામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના હજારો નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને સરકારના આ અભિગમને બિરદાવ્યો હતો.

(6:55 PM IST)