તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
સાબરિયા ગામે વરસાદી પાણીની વિકટ સમસ્યા: ગરનાળું તોડાતા પરિવાર પર સંકટ, તંત્ર સામે કડક રજૂઆત
સાબરિયા ગામે તંત્રની મનમાની? ગરનાળું તોડાતા પરિવાર વરસાદી પાણીમાં જીવવા મજબૂર:ગરનાળું તોડી તંત્રે વધારી મુશ્કેલી? સાબરિયા ગામે પરિવાર નરક સમાન હાલતમાં:વરસાદી પાણીથી ત્રસ્ત પરિવારનો આક્રોશ: જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ

(ભરત શાહ દ્વારા )નર્મદા : ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના સાબરિયા ગામ ખાતે આવેલા વેલાતી ફળિયામાં વરસાદી પાણીની ગંભીર સમસ્યાને લઈને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ દ્વારા રાજ્ય સરકાર અને જિલ્લા તંત્ર સમક્ષ કડક રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં સ્થાનિક તંત્રની બેદરકારી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે અને તાત્કાલિક કાયમી ઉકેલ લાવવા માંગ ઉઠાવવામાં આવી છે.
રજૂઆત મુજબ, વેલાતી ફળિયામાં રહેતા જીતેન્દ્રભાઈ ચંદુભાઈ ચૌધરીના નિવાસસ્થાને છેલ્લા ઘણા વર્ષોથી વરસાદી પાણી ઘૂસી જવાની ગંભીર સમસ્યા યથાવત્ છે. વર્ષ 2025 દરમિયાન સ્થાનિક સ્તરે બનાવવામાં આવેલ ગરનાળું વરસાદી પાણીના નિકાલ માટે અસરકારક સાબિત થયું હતું, પરંતુ વર્ષ 2026 દરમિયાન આ ગરનાળું JCB દ્વારા તોડી પાડવામાં આવ્યું હોવાના આક્ષેપો સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. ગરનાળું તોડી પાડાતા સમગ્ર ફળિયાનું વરસાદી પાણી સીધું જ અરજદારના આંગણામાં ફરી વળતું હોવાનું જણાવાયું છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે આ સમસ્યાને લઈને જીતેન્દ્રભાઈ ચૌધરી દ્વારા વર્ષ 2022થી અનેક વખત સ્થાનિક તંત્ર સમક્ષ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, છતાં આજદિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. ચોમાસા દરમિયાન ગંદુ પાણી ઘર અને આંગણામાં ભરાતા રોગચાળો ફેલાવાની ભીતિ ઉભી થઈ છે તેમજ પરિવારના આરોગ્ય અને સુરક્ષા પર ગંભીર અસર પડી રહી છે.
આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદે આ સમગ્ર મામલાને માનવ અધિકારના હનન સાથે જોડીને તંત્ર સામે કડક વલણ અપનાવ્યું છે. રજૂઆતમાં સ્થળ પર તાત્કાલિક તપાસ, તોડાયેલ ગરનાળું ફરી બનાવવાની કાર્યવાહી અથવા અંડરગ્રાઉન્ડ ગટર દ્વારા કાયમી ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ગરનાળું તોડવા પાછળ જવાબદાર અધિકારીઓ અને વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે.
પરિષદે ચેતવણી આપી છે કે જો ચોમાસા પહેલાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે અને અસરગ્રસ્ત પરિવારને રાહત નહીં આપવામાં આવે તો આગામી સમયમાં લોકહિત અને માનવ અધિકારના રક્ષણ માટે ઉગ્ર આંદોલન, મીડિયા અભિયાન તેમજ ઉચ્ચ કક્ષાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
