News of Monday, 12th October 2026
દિવાળી પૂર્વે ગુજરાતના ખેડૂતોને રાહત આપવા શંકરસિંહ વાઘેલાની મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાસે માંગ : કપાસ સહિતના પાકોની ચિંતાજનક સ્થિતિને લઈને રાજ્યમાં તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવા અને દેવા માફી સહિતના આઠ મુદ્દાઓ રજૂ કરાયા
અમરેલી પ્રવાસ દરમિયાન ખેતરોમાં પાકની ગંભીર સ્થિતિ રૂબરૂ જોઈને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર : ૭૦ ટકાથી વધુ વિસ્તારમાં પીવાના પાણી અને ઘાસચારાની ગંભીર કટોકટી સર્જાવાની આશંકા વ્યક્ત કરી સરકારી જાહેરાતો બંધ કરી ખેડૂતોને સીધી મદદ કરવા આહ્વાન

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર: પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એક વિગતવાર પત્ર પાઠવીને રાજ્યમાં કપાસ સહિતના પાકોની અત્યંત ચિંતાજનક સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને ખેડૂતોના હિતમાં તાત્કાલિક ધોરણે કઠોર પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. તાજેતરમાં અમરેલી ખાતેના પ્રવાસ દરમિયાન રસ્તામાં આવેલા ખેતરોમાં પાકની નબળી સ્થિતિ તેમણે રૂબરૂ જોઈ હતી અને ખેડૂતો સાથે વાતચીત કરીને તેમની મુશ્કેલીઓ તથા ગંભીર આર્થિક પરિસ્થિતિનો સીધો અનુભવ કર્યો હતો. આ અંગે સોશિયલ મીડિયા દ્વારા વીડિયો મારફતે વાસ્તવિક સ્થિતિ લોકો સમક્ષ મૂક્યા બાદ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાંથી અનેક ખેડૂતોના ફોન આવ્યા હતા અને ખેડૂતોએ વ્યથા વ્યક્ત કરી હતી કે તેમના જિલ્લાઓમાં પણ આવી જ દયનીય સ્થિતિ પ્રવર્તે છે.
ખેડૂતોએ વર્ષભર ભારે મહેનત કરીને બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ, સિંચાઈ, મજૂરી અને અન્ય ખેતી ખર્ચમાં મોટી મૂડીનું રોકાણ કર્યું છે, પરંતુ પાકની નબળી સ્થિતિ, ઉત્પાદન અંગેની અનિશ્ચિતતા અને વધતા ખર્ચને કારણે તેમની આર્થિક સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ખેડૂત માત્ર પોતાની આજીવિકા માટે જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યની ખાદ્ય સુરક્ષા અને અર્થવ્યવસ્થાને મજબૂત રાખવા માટે પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપતો હોવાથી આવા સમયે સમયસર રાહત આપવી સરકારની મહત્ત્વપૂર્ણ જવાબદારી છે. આ ગંભીર પરિસ્થિતિ રાજ્યના ૭૦ ટકાથી વધુ વિસ્તારમાં પ્રવર્તી રહી છે. તાજેતરનાં વરસાદના આંકડાઓ અત્યંત ચિંતાજનક છે, જે માત્ર દુષ્કાળ જ નહીં પરંતુ આગામી દિવસોમાં પીવાના પાણી અને પશુઓના ઘાસચારાના ગંભીર પ્રશ્નો પણ ઊભા કરશે. સરકાર દ્વારા જળ સંચયના પ્રોજેક્ટોમાં કરોડો રૂપિયા ખર્ચાયા હોવાના દાવા કરાયા છે, પરંતુ ધરતીપુત્ર માટે સવલતો ઠેરની ઠેર રહી છે અને ઉદ્યોગપતિઓ માટે લીલી જાજમ બિછાવવામાં આવી રહી છે.
શંકરસિંહ વાઘેલા દ્વારા સરકાર સમક્ષ રજૂ કરાયેલી ૮ મહત્વપૂર્ણ માંગણીઓ:
૧. તાત્કાલિક દુષ્કાળ જાહેર કરો: જ્યાં પરિસ્થિતિ ગંભીર છે ત્યાં તાત્કાલિક સર્વે કરાવી અસરગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે.
૨. ખેડૂતોની દેવા માફી કરો: અસરગ્રસ્ત ખેડૂતોની ખેતીની લોનનું મૂડી અને વ્યાજ બંને માફ કરવામાં આવે.
૩. પાક નુકસાનનું પારદર્શક સર્વે અને સીધી રાહત: ગામવાર અને પાકવાર સર્વે કરી નુકસાનના આધારે સીધા ખેડૂતોના બેંક ખાતામાં સમયબદ્ધ વળતર ચૂકવવામાં આવે.
૪. પાક વીમાના ક્લેમનો તાત્કાલિક નિકાલ કરો: અસરગ્રસ્ત ખેડૂતોના પાક વીમાના દાવાઓ ઝડપથી મંજૂર કરી ચૂકવણી કરવામાં આવે અને નામંજૂર થયેલા દાવાઓનું કારણ જાહેર કરવામાં આવે.
૫. પીવાનું પાણી, સિંચાઈ અને પશુધન માટે રાહત: જરૂરિયાતવાળા વિસ્તારોમાં પાણીના ટેન્કર, સિંચાઈ માટે વૈકલ્પિક વ્યવસ્થા, ઘાસચારો અને પશુઆહારની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે.
૬. આગામી વાવેતર માટે વિશેષ રાહત પેકેજ: બિયારણ, ખાતર, દવા, ડીઝલ અને અન્ય ખેતી ખર્ચ માટે અસરગ્રસ્ત ખેડૂતોને આગામી સિઝન માટે ખાસ આર્થિક સહાય આપવામાં આવે.
૭. સરકારી જાહેરાતો અને પ્રચાર પાછળનો ખર્ચ બંધ કરો: ખેડૂત મુશ્કેલીમાં હોય ત્યારે બિનજરૂરી જાહેરાતો પાછળ કરોડો રૂપિયા ખર્ચવા બંધ કરી તે નાણાં રાહત, પાક વળતર અને સિંચાઈ માટે વાપરવામાં આવે.
૮. સમયમર્યાદા જાહેર કરો: સર્વે ક્યારે પૂર્ણ થશે, દુષ્કાળની જાહેરાત ક્યારે થશે, વળતર ક્યારે મંજૂર થશે અને ખેડૂતોના ખાતામાં રકમ ક્યારે જમા થશે તેની જાહેર સમયમર્યાદા નક્કી કરવામાં આવે.
પત્રના અંતે એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે કે સરકાર પાસે પ્રચાર કરવાની વ્યવસ્થા છે, તેવી જ ઝડપ અને ગંભીરતા ખેડૂતોને રાહત આપવામાં પણ દેખાડવી જોઈએ. સરકાર આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરી દિવાળીના તહેવારો પૂર્વે ખેડૂતોને યોગ્ય અને સમયસર રાહત પૂરી પાડશે તેવી અપેક્ષા શંકરસિંહ વાઘેલા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
(7:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
