<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

અમદાવાદના વટવામાં સાંતેજ હોમ્સ ફ્લેટમાંથી હાથ-પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર

મૃતદેહની સ્થિતિ જોતા આ હત્યા 2 થી 3 દિવસ પહેલા કરવામાં આવી હોવાનું અનુમાન :મૃતક વ્યક્તિ કોણ છે, તે આ ફ્લેટમાં ભાડે રહેતો હતો કે તેનો માલિક હતો, તે તમામ દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

અમદાવાદના વટવામાં આવેલા એક ફ્લેટમાંથી હાથ-પગ બાંધેલી અને મોં બંધ કરેલી હાલતમાં એક વ્યક્તિનો સડેલો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની ભયાનકતા જોતા ક્રૂરતાપૂર્વક હત્યા નીપજાવી હત્યારાઓ ફ્લેટને બહારથી લોક કરીને ફરાર થઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે.

ઘટનાની મળતી વિગતો અનુસાર, વટવા વિસ્તારમાં આવેલા ‘સાંતેજ હોમ્સ’ નામના ફ્લેટના એક બંધ મકાનમાંથી છેલ્લા કેટલાક સમયથી અસહ્ય દુર્ગંધ આવી રહી હતી. આ અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા વટવા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે જ્યારે બંધ ઘરનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

ફ્લેટની અંદરથી એક વ્યક્તિની મૃતદેહ મળી આવ્યો હતો, જે સંપૂર્ણપણે ડીકમ્પોઝ (સડી ગયેલી) હાલતમાં હતી. ચોંકાવનારી બાબત એ છે કે, મૃતકના હાથ, પગ અને મોં દોરડા કે કપડા વડે બાંધેલા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ જ આ મામલો ક્રૂર હત્યાનો હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. તીવ્ર દુર્ગંધ અને મૃતદેહની સ્થિતિ જોતા આ હત્યા 2 થી 3 દિવસ પહેલા કરવામાં આવી હોવાનું અનુમાન છે.

હત્યારાઓ ગુનાને અંજામ આપીને ઘરને બહારથી તાળું મારીને રફુચક્કર થઈ ગયા હતા. વટવા પોલીસે હાલ મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો છે. મૃતક વ્યક્તિ કોણ છે, તે આ ફ્લેટમાં ભાડે રહેતો હતો કે તેનો માલિક હતો, તે તમામ દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે એફએસએલ (FSL) ની મદદ લઈને આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ ફંગોળવાનું અને શંકાસ્પદોની પૂછપરછ કરવાનું શરૂ કર્યું છે.

(8:53 PM IST)