<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

સુરતમાં એક ચોંકાવનારી ઘટના: શેર માર્કેટમાં લાખો રૂપિયા હારી ગયેલા એક યુવાને દેવું ચૂકવવા પોતાના જ અપહરણનું નાટક રચ્યું

ભેજાબાજે પરિવાર પાસેથી 50 લાખ પડાવવા ધમકીભર્યો મેસેજ અને બંધક હોવાનો વીડિયો મોકલ્યો: પોલીસે સઘન તપાસ કરીને ગોધરાની હોટલમાંથી તેને ઝડપી પાડ્યો છે અને ગેરમાર્ગે દોરવા બદલ આકરી કાર્યવાહી હાથ ધરી

સુરત: શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ પોતાનું દેવું ચૂકવવા માટે કોઈ ગુનાહિત ગેંગની જેમ ફિલ્મી સ્ટાઈલમાં પોતાના જ અપહરણનું નાટક રચ્યું હતું. આ વ્યક્તિએ પોતાના જ પરિવાર પાસેથી 50 લાખ રૂપિયા પડાવવાનો કારસો ઘડ્યો હતો અને જો પૈસા ન મળે તો પોતાની લાશ મોકલવાની ધમકી પણ આપી હતી.

 સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા ભક્તિનંદન સેક્ટર-2માં રહેતા નિશાબેન તળાવિયાએ 12 જૂનના રોજ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેમણે તેમના પતિ જીગ્નેશ લાલજીભાઈ તળાવિયા અચાનક ગુમ થયા હોવાની જાણ કરી હતી. જોકે, વાસ્તવિકતા કંઈક અલગ જ હતી. જીગ્નેશ ખરેખર કોઈ મુસીબતમાં નહોતો, પરંતુ તે ગુમ થવાનું ષડયંત્ર રચી રહ્યો હતો.

 

 

જ્યારે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી, ત્યારે અચાનક જીગ્નેશના જ મોબાઈલ ફોનમાંથી પરિવારને હિન્દી ભાષામાં એક ડરામણો મેસેજ આવ્યો. આ મેસેજમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે, "આના બેંક ખાતામાં 50 લાખ રૂપિયા જમા કરાવો, નહીંતર તેની લાશ મળશે. તેનું અપહરણ થઈ ચૂક્યું છે." એટલું જ નહીં, મેસેજમાં એવી પણ ધમકી આપવામાં આવી હતી કે જો પોલીસનો સંપર્ક કરવામાં આવશે અથવા બેંક ખાતું બંધ કરાવવાનો પ્રયાસ કરાશે, તો જીગ્નેશને જીવતો નહીં છોડવામાં આવે. આ મેસેજ વાંચીને પરિવાર અત્યંત ભયભીત થઈ ગયો હતો. ઘટનાને અસલી રૂપ આપવા જીગ્નેશે પોતાને બંધક બનાવ્યો હોય તેવો એક વીડિયો પણ પરિવારને મોકલ્યો હતો.

પરિવારની ફરિયાદ અને ધમકીભર્યા મેસેજ બાદ પોલીસે આ કેસને અત્યંત ગંભીરતાથી લીધો અને સઘન તપાસ શરૂ કરી. ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન અને અન્ય પુરાવાઓના આધારે પોલીસે આરોપી જીગ્નેશ તળાવિયાને ગોધરામાં આવેલી શિવ હોટલમાંથી  હેમખેમ શોધી કાઢ્યો હતો અને તેને સુરત લાવવામાં આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જીગ્નેશે પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને સમગ્ર ઘટના પરથી પડદો ઉઠાવ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું કે તે શેર માર્કેટમાં 50 થી 60 લાખ રૂપિયા હારી ગયો હતો અને તેના માથે મોટું દેવું થઈ ગયું હતું. આ દેવાની રકમ પરિવાર અને સગા-સંબંધીઓ પાસેથી સહાનુભૂતિપૂર્વક કઢાવવા માટે જ તેણે આ અપહરણનું નાટક રચ્યું હતું. તેણે જાતે જ પોતાને બંધક બનાવતો વીડિયો ઉતાર્યો હતો અને હિન્દીમાં મેસેજ ટાઈપ કરીને મોકલ્યો હતો.

આ સમગ્ર કાંડમાં જીગ્નેશે અન્ય કોઈની મદદ લીધી ન હતી, તે એકલો જ માસ્ટરમાઇન્ડ હતો. પોતાના અંગત આર્થિક સ્વાર્થ માટે પોલીસને ગેરમાર્ગે દોરવા પોલીસનો કિંમતી સમય બગાડવા અને સરકારી સંસાધનોનો દુરુપયોગ કરવા બદલ પોલીસ વિભાગે આકરાં પગલાં લીધા છે. જીગ્નેશ તળાવિયા સામે ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNS-2023 ની કલમ 212, 217 અને 233 હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:31 AM IST)