<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

સુરત પાર્ટનર સ્‍વેપિંગ કાંડમાં રાજકોટની ભોગ બનનાર મહિલાનો ચોંકાવનારો ખુલાસો

સંબંધોના નામે ચાલતા એક એવા રહસ્‍યમય ખેલનો પર્દાફાશ થયો જેના વિશે સાંભળીને કોઈ પણ ચોંકી જાય : પતિએ તેને પાર્ટનર સ્‍વેપિંગમાં જોડાવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે આમાં ઇન્‍જોયમેન્‍ટ અને પૈસા બંને મળે છે

સુરત તા.૧૯: લગ્નના માત્ર ત્રણ મહિના... અને એક મહિલાની દુનિયા જાણે પળવારમાં તૂટી પડી. જે વ્‍યક્‍તિ સાથે આખી જિંદગી પસાર કરવાના સપના જોયા હતા, એ જ વ્‍યક્‍તિએ તેની સામે એવી હકીકત મૂકી કે જેના વિશે તેણે ક્‍યારેય કલ્‍પના પણ નહોતી કરી. સંબંધોના નામે ચાલતા એક એવા રહસ્‍યમય ખેલનો પડદાફાશ થયો, જેના વિશે સાંભળીને કોઈ પણ ચોંકી જાય.

મારા લગ્ન ૨૦૨૨માં થયા હતા. લગ્નના માત્ર ત્રણ મહિનામાં જ મને ખબર પડી કે મારા પતિ મને એવી પ્રવૃત્તિમાં સામેલ કરવા માંગે છે, જે મારા માટે સ્‍વીકાર્ય નહોતી. રાજકોટની આ મહિલાના શબ્‍દોમાં આજે પણ એ પીડા સ્‍પષ્ટ દેખાય છે. મહિલાના જણાવ્‍યા મુજબ, તેના પતિએ તેને પાર્ટનર સ્‍વેપિગમાં જોડાવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે આમાં ઇન્‍જોયમેન્‍ટ અને પૈસા બંને મળે છે. પરંતુ જ્‍યારે મહિલાએ આ વાતનો વિરોધ કર્યો, ત્‍યારે તેની સામે એક એવા નેટવર્કની હકીકતો આવવા લાગી, જેણે તેના લગ્નજીવન અને વિશ્વાસને હચમચાવી નાખ્‍યો.

સમ્રગ ઘટનાની વાત કરીએ તો સુરતમાં ચર્ચાનો વિષય બનેલા પાર્ટનર સ્‍વેપિગ મામલે હવે રાજકોટની એક મહિલાએ VTV News સમક્ષ પોતાની આપવીતી રજૂ કરી છે. મહિલાના જણાવ્‍યા અનુસાર, તેના લગ્ન વર્ષ ૨૦૨૨માં થયા હતા. લગ્નજીવન શરૂ થયાના માત્ર ત્રણ મહિનામાં જ તેને એવી હકીકતો જાણવા મળી હતી, જેણે તેના જીવનને સંપૂર્ણપણે બદલાવી નાખ્‍યું.

ભોગ બનનાર મહિલાએ જણાવ્‍યું કે તેના પતિ તેને પાર્ટનર સ્‍વેપિંગ જેવી પ્રવૃત્તિમાં સામેલ કરવા માંગતા હતા. જોકે, તેણે શરૂઆતથી જ આ પ્રકારની બાબતોનો વિરોધ કર્યો હતો અને તેમાં જોડાવા માટે સ્‍પષ્ટ ના પાડી હતી. મહિલાના જણાવ્‍યા મુજબ, તેના પતિએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે આ પ્રવૃત્તિમાં ઇન્‍જોયમેન્‍ટ અને પૈસા બંને મળે છે. મહિલાના કહેવા મુજબ, પતિએ તેને જણાવ્‍યું હતું કે આ નેટવર્કમાં નાના-મોટા, વિવિધ આર્થિક સ્‍તરના લોકો જોડાયેલા છે. જેમાં આર્થિક મુશ્‍કેલીનો સામનો કરતા લોકો પણ સામેલ છે અને સારા આર્થિક રીતે સક્ષમ લોકો પણ આ પ્રકારની પ્રવૃત્તિમાં ભાગ લે છે.

મહિલાના જણાવ્‍યા અનુસાર, સમગ્ર પ્રક્રિયા સોશિયલ મીડિયા દ્વારા શરૂ થાય છે. સૌથી પહેલા લોકો સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર ખાસ ID બનાવે છે. ત્‍યારબાદ એકબીજાની ઓળખ અને વિશ્વસનીયતા ચકાસવા માટે ખાતરી કરવામાં આવે છે કે સામેવાળા ખરેખર કપલ છે કે નહીં. આ પ્રક્રિયા બાદ તેઓ વ્‍યક્‍તિગત રીતે મુલાકાત કરે છે અને ત્‍યાર પછી હોટલમાં રૂમ બુક કરીને મળવાની વ્‍યવસ્‍થા કરવામાં આવે છે. મહિલાના જણાવ્‍યા પ્રમાણે, આ સમગ્ર નેટવર્કમાં અંદાજે ૧૫થી ૨૦ લોકો સક્રિય રીતે જોડાયેલા હોવાનું તેને જાણવા મળ્‍યું હતું. તેણે દાવો કર્યો કે આ પ્રવૃત્તિ કોઈ એક વિસ્‍તાર કે વર્ગ પૂરતી મર્યાદિત નથી, પરંતુ અલગ-અલગ પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો તેમાં જોડાયેલા હોવાનું સામે આવ્‍યું છે.

રાજકોટની આ મહિલાએ VTV News સમક્ષ પોતાની આપવિતી શેર કરતા જણાવ્‍યું કે લગ્નના માત્ર ત્રણ મહિનામાં જ તેને આ સમગ્ર બાબત અંગે જાણ થઈ હતી. ત્‍યારબાદ તેણે આ પ્રકારની પ્રવૃત્તિથી દૂર રહેવાનો નિર્ણય લીધો હતો. મહિલાના જણાવ્‍યા મુજબ, જ્‍યારે તેને આ બાબતો વિશે જાણ થઈ ત્‍યારે તે માનસિક રીતે ખૂબ જ આઘાતમાં આવી ગઈ હતી.

આ મામલો માત્ર એક વ્‍યક્‍તિ કે પરિવાર સુધી મર્યાદિત નથી, પરંતુ સોશિયલ મીડિયાના માધ્‍યમથી કેવી રીતે કેટલાક લોકો શંકાસ્‍પદ અને જોખમી નેટવર્ક ઉભા કરે છે તે અંગે પણ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. નિષ્‍ણાતોનું માનવું છે કે કોઈપણ વ્‍યક્‍તિએ સોશિયલ મીડિયા પર અજાણ્‍યા લોકો સાથે સંપર્ક કરતી વખતે ખાસ સાવચેતી રાખવી જોઈએ અને કોઈપણ પ્રકારની ગેરકાયદેસર અથવા શંકાસ્‍પદ પ્રવૃત્તિની જાણ તાત્‍કાલિક સંબંધિત સત્તાવાળાઓને કરવી જોઈ.

(10:25 AM IST)