News of Thursday, 16th July 2026
રાજ્યમાં ચોમાસાની ધીમી ગતિ : અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ ૨૫.૧૦ ટકા વરસાદ નોંધાયો : ૧૨ જળાશયો હાઈ એલર્ટ પર - ૧૧ ડેમ 'વોર્નિંગ' સ્ટેજ પર : રાજ્યમાં કુલ ૫૯ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ : રાજયમાં ૪૬.૫૭ % ખરીફ પાકનું વાવેતર થયું
છેલ્લા ૨૪ કલાકમાં ૩૧ જિલ્લાના ૧૧૮ તાલુકાઓમાં મેઘમહેર; સરદાર સરોવર નર્મદા ડેમમાં ૬૫.૬૧ ટકા જળસંગ્રહ : ભારે વરસાદને પગલે રાજ્યભરમાંથી ૮૩૨૪ લોકોનું સ્થળાંતર અને ૩૭૧૧ લોકોનું રેસ્ક્યુ કરાયું : માછીમારોને ૧૭ થી ૧૯ જુલાઈ સુધી દરિયો ન ખેડવા હવામાન વિભાગની ચેતવણી

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા ૧૬ જુલાઈ ૨૦૨૬ ના રોજ સવારે ૧૦ વાગ્યા સુધીના જાહેર કરાયેલા ચોમાસુ સંકલિત રિપોર્ટ મુજબ, ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ ૨૨૮.૧૦ મીમી એટલે કે સરેરાશ ૨૫.૧૦ ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા ત્રણ વર્ષની સરખામણી કરીએ તો ૨૦૨૩ માં ૧૦૮.૧૬ ટકા, ૨૦૨૪ માં ૧૪૩.૧૪ ટકા અને ૨૦૨૫ માં ૧૨૮.૫૭ ટકા વરસાદ થયો હતો. ઝોન મુજબ જોઈએ તો કચ્છમાં ૨.૧૪ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૪.૩૯ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૭.૮૩ ટકા, સૌરાષ્ટ્રમાં ૨૭.૯૮ ટકા અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૩૫.૨૯ ટકા વરસાદ નોંધાયો છે.
છેલ્લા ૨૪ કલાકની સ્થિતિ જોઈએ તો, રાજ્યના ૩૧ જિલ્લાના ૧૧૮ તાલુકાઓમાં સરેરાશ ૪.૦૪ મીમી વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં ૪૪ મીમી અને પારડીમાં ૪૨ મીમી, ખેડાના નડિયાદમાં ૪૦ મીમી, સુરેન્દ્રનગરના દસાડામાં ૪૦ મીમી અને ભરૂચના જંબુસરમાં ૩૮ મીમી વરસાદ ખાબક્યો છે. આજના સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીના આંકડા મુજબ સુરતના કામરેજમાં ૪૬ મીમી, ભરૂચના નેત્રંગમાં ૨૯ મીમી, સુરતના માંગરોળમાં ૨૬ મીમી, અરેથમાં ૨૪ મીમી અને બારડોલીમાં ૧૭ મીમી વરસાદ નોંધાયો છે.
જળાશયોની સ્થિતિ અંગે રિપોર્ટમાં જણાવાયું છે કે, સરદાર સરોવર નર્મદા ડેમમાં ૨,૧૯,૧૯૪ એમસીએફટી જળસંગ્રહ થયો છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના ૬૫.૬૧ ટકા છે. જ્યારે અન્ય ૨૦૬ જળાશયોમાં ૨,૨૮,૯૪૯ એમસીએફટી એટલે કે ૪૧.૦૪ ટકા સંગ્રહ થયો છે. હાલમાં રાજ્યના ૫ જળાશયો ૧૦૦ ટકા ભરાઈ ચૂક્યા છે, ૨૦ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે, ૨૪ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે, ૫૧ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે અને ૧૦૬ જળાશયો ૨૫ ટકાથી નીચે ભરાયેલા છે. ડેમ એલર્ટની વિગતો મુજબ, અમરેલીના ધાતરવડી, સુરજવાડી, ખોડિયાર, રાયડી, ધાતરવાડી-૨, ભાવનગરના રોજકી, શેત્રુંજી, રંગહોળા, તાપીના દોસવાડા, મહીસાગરના વણાકબોરી અને સુરેન્દ્રનગરના વંસલ તથા ધોળીધજા એમ કુલ ૧૨ ડેમ 'હાઈ એલર્ટ' પર છે. આ ઉપરાંત ભાવનગરના માલણ અને ગીર સોમનાથના રાવલ ડેમ 'એલર્ટ' પર છે અને ૧૧ ડેમ 'વોર્નિંગ' સ્ટેજ પર છે.
વરસાદની પ્રતિકૂળ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા વ્યાપક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, આણંદ, નવસારી, ડાંગ, પોરબંદર, તાપી, ભાવનગર, સુરત અને વલસાડ જિલ્લાઓમાંથી કુલ ૮૩૨૪ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું છે અને ૩૭૧૧ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ સુરતમાંથી ૪૬૮૩ લોકોનું સ્થળાંતર અને ૩૪૧૬ લોકોનું રેસ્ક્યુ સામેલ છે. રાજ્યમાં હાલ એનડીઆરએફ (NDRF) ની ૧૧ ટીમો અને એસડીઆરએફ (SDRF) ની ૨૪ પ્લાટુન તૈનાત કરવામાં આવી છે, જ્યારે ૩ એનડીઆરએફ અને ૯ એસડીઆરએફ રિઝર્વ રખાઈ છે. વડોદરા ખાતેથી રિઝર્વ પૈકી ૧ એનડીઆરએફ ટીમ રાજસ્થાનના ઉદયપુર ખાતે મોકલાઈ છે.
માર્ગ અને મકાન વિભાગની વિગતો મુજબ, પંચાયત હસ્તકના ૪૯, અન્ય ૯ અને સ્ટેટ હાઈવે ૧ મળીને રાજ્યમાં કુલ ૫૯ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ છે. ઉર્જા વિભાગ (GUVNL) ના અહેવાલ મુજબ અસરગ્રસ્ત તમામ ૩૩૭૩ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે, જોકે હજુ ૧૦ ફીડર, ૨૨ થાંભલા અને ૨ ટ્રાન્સફોર્મર સેન્ટરની કામગીરી બાકી છે. ખેતીવાડી વિભાગના અહેવાલ મુજબ ૧૩ જુલાઈ ૨૦૨૬ સુધીમાં રાજ્યમાં કુલ ૩૯,૭૨,૯૦૫ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે, જે સામાન્ય વાવેતર વિસ્તાર (૮૫,૩૦,૮૦૩ હેક્ટર) ના ૪૬.૫૭ ટકા જેટલું થાય છે. છેલ્લે, ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાતના દરિયાકિનારે માછીમારોને તા. ૧૭.૦૭.૨૦૨૬ થી તા. ૧૯.૦૭.૨૦૨૬ સુધી દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના અને ચેતવણી આપવામાં આવી છે.
(12:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
