News of Sunday, 10th May 2026
સ્માર્ટ સિટી કે ‘ભૂવા’ સિટી? અમદાવાદમાં ભરઉનાળે રસ્તાઓ થયા ગરકાવ; ૧૦ દિવસમાં ૮ મોટા ભૂવા પડતા AMCની પોલ ખુલી, કરોડોનો ખર્ચ એળે ગયો!
૨૫૮ કરોડનો તોતિંગ ડ્રેનેજ ટેક્સ વસૂલ્યા પછી પણ અમદાવાદીઓના નસીબમાં માત્ર ખાડા; ૧૨૦ કરોડના ‘રિહેબિલિટેશન’ અને ૬૯૧ ગેસ પાઈપોના દાવાઓ વચ્ચે રસ્તાઓ પત્તાના મહેલની જેમ બેસી ગયા

અમદાવાદ, તા.૦૯: અમદાવાદીઓ માટે ઉનાળાની આકરી ગરમી કરતા પણ મોટો ખતરો હવે રસ્તા પર ઉભો થયો છે. ચોમાસું હજુ દસ્તક દે તે પહેલા જ શહેરના રાજમાર્ગો ‘પાતાળ’ તરફ જઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા માત્ર ૧૦ જ દિવસમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કુલ ૮ ભયાનક ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી છે. નવાઈની વાત એ છે કે, આ એ જ શહેર છે જે સ્માર્ટ સિટી હોવાનો દાવો કરે છે અને પ્રજા પાસેથી કરોડોનો ટેક્સ વસૂલે છે.
ટેક્સમાં તોતિંગ વધારો, સુવિધામાં મીંડું!
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ટેક્સ વસૂલવામાં એકડો છે. આંકડા મુજબ, છેલ્લા એક વર્ષમાં અમદાવાદીઓએ ડ્રેનેજ ટેક્સ પેટે ૨૫૮ કરોડ રૂપિયા તંત્રની તિજોરીમાં જમા કરાવ્યા છે. આ રકમ કોર્પોરેશનની કુલ આવકના ૧૭ ટકા જેટલી થવા જાય છે. આટલો જંગી ટેક્સ ભર્યા પછી પણ જ્યારે રસ્તાઓ વચ્ચેથી ફાટી જાય કે બેસી જાય, ત્યારે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે, "અમારા પરસેવાની કમાણીના પૈસા કઈ ગટરમાં જઈ રહ્યા છે?"
૧૨૦ કરોડનું ‘રિહેબિલિટેશન’ ક્યાં ગયું?
AMC તંત્ર વારંવાર બચાવ કરે છે કે તેઓ જૂની ડ્રેનેજ લાઈનો સુધારવા માટે કરોડોનો ખર્ચ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ૧૨૦ કરોડ રૂપિયા ગટર લાઈનોના નવીનીકરણ પાછળ ખર્ચાયા હોવાનું કહેવાય છે. એટલું જ નહીં, ગટરના ગેસથી રોડ ન બેસે તે માટે શહેરમાં ૬૯૧ વેન્ટિલેશન કોલમ (ગેસ પાઈપો) પણ નાખવામાં આવી છે. તેમ છતાં, ભરઉનાળે રસ્તાઓ બેસી જવા એ ભ્રષ્ટાચાર કે નબળી કામગીરી તરફ સીધો ઈશારો કરે છે.
ચોમાસા પહેલા જ ‘ડર’નો માહોલ
ઉનાળામાં જો ૧૦ દિવસમાં ૮ ભૂવા પડતા હોય, તો કલ્પના કરો કે ધોધમાર વરસાદમાં અમદાવાદની સ્થિતિ શું હશે? દર વર્ષે ચોમાસામાં અમદાવાદના રસ્તાઓ ‘સ્વિમિંગ પૂલ’ બની જાય છે અને ભૂવાઓમાં વાહનો ખાબકે છે. તંત્ર દ્વારા ૧૩ જેટલા અધિકારીઓને નોટિસ તો ફટકારવામાં આવી છે, પરંતુ નક્કર કામગીરીના અભાવે આગામી ચોમાસું અમદાવાદીઓ માટે વધુ એક આફત લઈને આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
હાલમાં તો શહેરના અનેક વિસ્તારોમાં બેરિકેટિંગ કરીને રસ્તાઓ બંધ કરી દેવાયા છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ વિકરાળ બની છે. શું તંત્ર આ વખતે ચોમાસા પહેલા કોઈ જાદુ કરશે કે પછી અમદાવાદીઓએ ફરી ભગવાન ભરોસે જ રસ્તા પર નીકળવું પડશે? એ તો આવનારો સમય જ કહેશે.
(12:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
