<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

બનાસકાંઠાના દાંતીવાડા નજીક દારૂ ભરેલી લક્ઝરી કારનો પીછો કરતી SMC ટીમ પર હુમલો: એક પોલીસ જવાન ઘાયલ

રાજસ્થાનના મેથીપુરા બોર્ડરના ઠેકા પરથી લક્ઝરી કારોમાં ગુજરાતમાં દારૂ ઘુસાડવાના નેટવર્કનો પીછો કરતી વખતે બુટલેગરોએ પોલીસ પર હુમલો કર્યો

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના ડેરી ગામ નજીક બુટલેગરોએ પોલીસ ટીમને નિશાન બનાવી હુમલો કર્યો હતો, SMCના 1 પોલીસ જવાન ઘાયલ થયા હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ છે.

મળતી માહિતી મુજબ, રાજસ્થાન બોર્ડર પરથી ગુજરાતમાં મોટા પાયે વિદેશી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે SMCની ટીમ દાંતીવાડા વિસ્તારમાં વોચ ગોઠવીને તપાસમાં પહોંચી હતી. બુટલેગરો દ્વારા પોલીસની નજરથી બચવા માટે મોંઘી લક્ઝરી કારોમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. તપાસમાં સામે આવ્યું છે કે રાજસ્થાનના મેથીપુરા બોર્ડર પર આવેલા ઠેકા પરથી ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં આ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરવામાં આવે છે.

 

 

દાંતીવાડાના ડેરી ગામ નજીક SMCની ટીમે વિદેશી દારૂ ભરેલી શંકાસ્પદ લક્ઝરી ગાડીઓને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેમનો પીછો શરૂ કર્યો હતો. આ દરમિયાન બેફામ બનેલા બુટલેગરોએ પીછો કરી રહેલી SMCની ટીમ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં SMCનો 1 પોલીસ જવાન ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું છે.

 

 

હુમલો કર્યા બાદ દારૂની હેરાફેરીમાં સામેલ ગાડીઓ લઈને બુટલેગરો ભાગ્યા હતા અને રાજસ્થાનના મેથીપુરા ખાતે આવેલા દારૂના ઠેકા પર પહોંચી ગયા હતા. જોકે, SMC પોલીસની ટીમે પણ હિંમત હાર્યા વિના તેમનો પીછો ચાલુ રાખ્યો હતો અને પીછો કરતા-કરતા રાજસ્થાનના મેથીપુરા ઠેકા સુધી પહોંચી ગઈ હતી. હાલમાં SMCની ટીમે સ્થાનિક રાજસ્થાન પોલીસને સાથે રાખીને બુટલેગરો અને દારૂના ઠેકા સામે સંયુક્ત રીતે કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

(1:51 PM IST)