News of Friday, 19th June 2026
12મા આંતરાષ્ટ્રીય યોગ દિવસ 2026 નિમિત્તે ગાંધીનગર કરાઈ પોલીસ અકાદમીમાં વિશેષ યોગ શિબિર: 'યોગથી સશક્ત પોલીસ દળ, સુરક્ષિત સમાજ'ના સંકલ્પ સાથે મોટી સંખ્યામાં જવાનોએ ભાગ લીધો
નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષ સેવા-સુશાસનની ઉજવણી અને 'Yoga for Healthy Ageing' થીમ સાથે કરાઈ પોલીસ અકાદમીમાં યોગાભ્યાસ; પ્રાચાર્યા ડૉ. લીના પાટીલે કહ્યું - નિયમિત યોગ પોલીસને શારીરિક-માનસિક રીતે સતર્ક અને સંતુલિત રાખે છે :;ડીવાયએસપી એન. પી. પટેલ ઉપસ્થિત

ગાંધીનગર તા.૧૯ : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં સેવા, સુશાસન, વિકાસ અને જનકલ્યાણના ગૌરવશાળી 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે તથા 12મા આંતરાષ્ટ્રીય યોગ દિવસ - 21 જૂન 2026ની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર સ્થિત ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ ખાતે પોલીસ અધિકારીઓ અને જવાનો માટે વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો "યોગથી સશક્ત પોલીસ દળ, સુરક્ષિત સમાજ અને વિકસિત રાષ્ટ્રનું નિર્માણ". રાષ્ટ્રની સુરક્ષા, કાયદો-વ્યવસ્થાની જાળવણી અને જનસેવામાં 24x7 કાર્યરત પોલીસ કર્મીઓ સત તણાવ અને પડકારજનક પરિસ્થિતિઓમાં ફરજ બજાવતા હોય છે. તેમના શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સંતુલન, તણાવ નિયંત્રણ અને કાર્યક્ષમતામાં વધારો થાય તે હેતુથી આ શિબિર યોજાઈ.
આ વર્ષે આંતરાષ્ટ્રીય યોગ દિવસની થીમ "Yoga for Healthy Ageing" નક્કી કરવામાં આવી છે. આ થીમને અનુરૂપ શિબિરમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. યોગ પ્રશિક્ષકોના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત તમામે સાથે મળીને યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ કર્યો.
યોગાસન દ્વારા શરીરની લવચીકતા અને સ્ટેમિના વધારવા પર ભાર મુકાયો, જ્યારે પ્રાણાયામ અને ધ્યાન દ્વારા માનસિક તણાવ ઓછો કરીને સતર્કતા વધારવાની તાલીમ આપવામાં આવી. યોગના વૈજ્ઞાનિક અને વ્યવહારુ લાભો વિશે પણ જવાનોને વિગતવાર સમજણ આપવામાં આવી.
ગુજરાત પોલીસ અકાદમી, કરાઈના પ્રાચાર્ય ડૉ. લીના પાટીલે જણાવ્યું કે, "પોલીસ દળ માટે નિયમિત યોગાભ્યાસ અત્યંત જરૂરી છે. યોગ માત્ર કસરત નથી, પરંતુ જીવનશૈલી છે. તે પોલીસ કર્મચારીઓને શારીરિક રીતે વધુ સશક્ત, માનસિક રીતે વધુ સતર્ક અને ભાવનાત્મક રીતે વધુ સંતુલિત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક સ્વસ્થ અને તણાવમુક્ત પોલીસ દળ જ વધુ સારી રીતે જનસેવા કરી શકે.
આ કાર્યક્રમમાં ડીવાયએસપી એન. પી. પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અધિકારીઓએ તમામ જવાનોને યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવા અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કર્યા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન જવાનોમાં વિશેષ ઉત્સાહ, શિસ્ત અને સકારાત્મક ઊર્જાનો માહોલ જોવા મળ્યો.
નોંધનીય છે કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 12મા આંતરાષ્ટ્રીય યોગ દિવસ 2026 અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ ક્ષેત્રો, શાળાઓ, કોલેજો અને સંસ્થાઓમાં યોગ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવા કાર્યક્રમો દ્વારા "સ્વસ્થ ગુજરાત - મેદસ્વિતા મુક્ત ગુજરાત"ના સંકલ્પને સાકાર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
આ શિબિરથી પ્રેરણા લઈને ગુજરાત પોલીસના વધુ જવાનો યોગને પોતાની દિનચર્યામાં સામેલ કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.
(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
