News of Monday, 13th July 2026
ડીસામાં રહેણાક મકાનમાં ધમધમતા શંકાસ્પદ ઘીના મોટા રેકેટનો સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા પર્દાફાશ
રહેણાક મકાનમાં 'જ્યોતિ ટ્રેડિંગ'ના નામે ધમધમતું શંકાસ્પદ ઘી બનાવવાનું કામ: શંકાસ્પદ ઘીના નાના ડબ્બા 2334 નંગ જપ્ત .

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. ડીસામાં રહેણાક મકાનની આડમાં ધમધમતા શંકાસ્પદ અને ભેળસેળયુક્ત ઘીના એક મોટા રેકેટનો સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીને પગલે ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મળતી વિગતો અનુસાર, ડીસા શહેરમાં એક રહેણાક મકાનમાં 'જ્યોતિ ટ્રેડિંગ'ના નામે શંકાસ્પદ ઘી બનાવવાનું કામ ચાલી રહ્યું હોવાની બાતમી SOGની ટીમને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મકાનની અંદર મોટા પાયે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને પેકિંગ કરવામાં આવતું હતું.
SOGની ટીમે સ્થળ પરથી તપાસ કરતા નીચે મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે:
શંકાસ્પદ ઘીના નાના ડબ્બા: કુલ 2334 નંગ.
મોટા ડબ્બા (15 કિલો): 19 નંગ.
અન્ય સામગ્રી: પ્લાસ્ટિકના ખાલી પાઉચ, લેબલ અને પેકિંગ મશીનરી.
કુલ કિંમત: અંદાજિત 6.40 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ શંકાસ્પદ ઘી કોઈ પણ પ્રકારની મંજૂરી વગર અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં બનાવવામાં આવતું હતું, જે લોકોનાં આરોગ્ય માટે ગંભીર ખતરો બની શકે તેમ હતું.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
