<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

મસાલા બજાર ગરમાયું! હળદરના ભાવમાં અધધ ૧૫૦નો વધારો

ગત વર્ષે જે હળદર ૩૦૦માં મળતી હતી, તે આ વર્ષે ૪૫૦ સુધી પહોંચી ગઈ છે. ઉત્‍પાદનમાં ઘટાડો અને સાથોસાથ વધતી માંગને કારણે ગૃહિણીઓએ હવે મસાલા માટે વધુ ખર્ચ કરવો પડી રહ્યો છે

અમદાવાદ,તા.૨૮: હાલ મસાલાના બજારમાં નોંધપાત્ર તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને (હળદર પાવડર) અને (ધાણાજીરું પાવડર)ના ભાવમાં આ વર્ષે નોંધપાત્ર વધારો નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ આ સિઝનમાં મસાલાના ભાવમાં ભારે ઉછાળો જોવા મળતા ગ્રાહકો અને વેપારીઓ બંને પર તેની અસર પડી રહી છે.

ધર્મેશભાઈ માથુકિયાએ જણાવ્‍યું હતું કે, તેઓ છેલ્‍લા પાંચ વર્ષથી હળદર પાવડર અને ધાણાજીરું પાવડર બનાવવાનું અને તેનું વેચાણ કરવાનું કામ કરે છે. તેમના જણાવ્‍યા મુજબ ગત વર્ષે ઓર્ગેનિક હળદર પાવડરનો ભાવ અંદાજે ૩૦૦ પ્રતિ કિલો સુધી હતો, જ્‍યારે આ વર્ષે એ જ ઓર્ગેનિક હળદર પાવડરનો ભાવ વધીને રૂ.૪૫૦ પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. સામાન્‍ય હળદર પાવડર પણ ૩૫૦ થી ૪૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવમાં વેચાઈ રહ્યું છે, જે ગત વર્ષની સરખામણીએ વધુ છે.

આ ઉપરાંત ધાણાજીરું પાવડરના ભાવમાં પણ વધારો નોંધાયો છે. હાલમાં તેનો ભાવ ૩૦૦ થી ૪૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી બોલાઈ રહ્યો છે. હોલસેલ અને રિટેલ માર્કેટમાં લગભગ રૂ.૫૦ જેટલો ભાવફેર જોવા મળી રહ્યો છે, જે બજારની હાલની પરિસ્‍થિતિને દર્શાવે છે. બજારમાં ભાવ વધારાના મુખ્‍ય કારણોમાં ઉત્‍પાદનનો ઘટાડો અને માંગમાં વધારો મુખ્‍ય ગણાય છે.

આ વર્ષે હવામાન પરિસ્‍થિતિઓ અને ખેતીમાં ઘટાડાને કારણે મસાલાના પાકનું ઉત્‍પાદન ઓછું થયું છે. બીજી તરફ, ગ્રામીણ વિસ્‍તારોમાં લોકો વર્ષભર માટે મસાલાનો જથ્‍થો એકસાથે ખરીદવાની પરંપરા ધરાવે છે, જેના કારણે હાલ ખરીદીમાં વધારો થયો છે.

આ વધતી માંગ અને ઘટતા ઉત્‍પાદન વચ્‍ચેનું સંતુલન બગડતા બજારમાં ભાવ ઉછળ્‍યા છે. વેપારીઓ કહે છે કે જો આવનારા સમયમાં ઉત્‍પાદન વધશે તો ભાવમાં થોડી સ્‍થિરતા આવી શકે છે, પરંતુ હાલની પરિસ્‍થિતિમાં મસાલાના ભાવમાં ઘટાડો થવાની શક્‍યતા ઓછી દેખાઈ રહી છે.

આ રીતે અમરેલી જિલ્‍લાના મસાલા બજારમાં હાલ તેજીનો માહોલ છે, જેમાં હળદર અને ધાણાજીરું પાવડરના ભાવમાં થયેલો વધારો ગ્રાહકોના ઘરખર્ચ પર સીધી અસર કરી રહ્યો છે.

(5:17 PM IST)