News of Wednesday, 15th July 2026
' રાજયમાં અશાંત ધારા' કાયદાના નામ અને તેની કાર્યપદ્ધતિમાં હવે મોટો ફેરફાર :સરકારે 'સ્પેસિફાઈડ એરિયા' અમલમાં મુક્યો
ગુજરાત સરકાર દ્વારા મિલકત વેચાણ અને કોમી સંવેદનશીલ વિસ્તારોને લઈને એક મોટું અને મહત્વપૂર્ણ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું

અમદાવાદ :ગુજરાત સરકાર દ્વારા મિલકત વેચાણ અને કોમી સંવેદનશીલ વિસ્તારોને લઈને એક મોટું અને મહત્વપૂર્ણ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા દાયકાઓથી અમલી 'અશાંત ધારા' કાયદાના નામ અને તેની કાર્યપદ્ધતિમાં હવે આમૂલ પરિવર્તન કરવામાં આવ્યું છે. નવા નિયમો મુજબ, હવે 'અશાંત ધારા' શબ્દને બદલે 'સ્પેસિફાઈડ એરિયા' અથવા ગુજરાતીમાં 'નિયત કે વિશિષ્ટ વિસ્તાર' શબ્દનો ઉપયોગ કરવામાં આવશે.
સરકારના નવા નોટિફિકેશન મુજબ, હવે કોઈ પણ વિસ્તારને 'સ્પેસિફાઈડ એરિયા' જાહેર કરતા પહેલા તેની ચકાસણી માટે એક 'મોનિટરિંગ એન્ડ એડવાઈઝરી કમિટી'ની રચના કરવામાં આવશે.
આ સમિતિની સલાહ અને ભલામણના આધારે જ કલેક્ટર દ્વારા તે વિસ્તારને 'સ્પેસિફાઈડ એરિયા' તરીકે જાહેર કરવામાં આવશે. જે વિસ્તારોમાં કોમી તણાવની શક્યતા હોય અથવા ભવિષ્યમાં સ્થળાંતર થવાની સંભાવના જણાય, ત્યાં જ આ પ્રકારના નિયંત્રણો લાગુ કરવામાં આવશે.
નવા નિયમો હેઠળ, મિલકત વેચાણની પ્રક્રિયા હવે વધુ પારદર્શક અને કડક બનાવવામાં આવી છે. મિલકત વેચાણ માટેની અરજીઓ બાબતે કલેક્ટર કક્ષાએથી તપાસ કરવામાં આવશે. આ તપાસ માટે વિશેષ એસઆઈટી (SIT) ની પણ રચના કરવામાં આવશે. કોમી તણાવ કે શાંતિ ભંગ જેવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, સંપૂર્ણ તપાસ બાદ જ મિલકત વેચાણને મંજૂરી આપવામાં આવશે.
નોટિફિકેશનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો મિલકતનું ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવામાં આવ્યું હશે, તો તે ટ્રાન્સફર રદ્દ કરવામાં આવશે. આવા કિસ્સામાં વેચાણ કરનારને છ માસની અંદર રકમ પરત કરીને મિલકતનો કબજો પરત આપવાનો રહેશે. આ નિયમોનો હેતુ કોમી સૌહાર્દ જાળવવાનો અને બિનજરૂરી સ્થળાંતર અટકાવવાનો છે.
આ નવા નિયમો સાથે સરકાર એવી આશા સેવી રહી છે કે મિલકત ટ્રાન્સફરની પ્રક્રિયા વધુ સુરક્ષિત બનશે. સરકારે આ અંગેના વિસ્તૃત નિયમો સાથેનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે, જે હવેથી અમલી ગણાશે. આ ફેરફારો રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો અને મિલકત ખરીદ-વેચાણ કરનાર નાગરિકો માટે અત્યંત મહત્વના સાબિત થશે.
અશાંત ધારો એ ગુજરાતમાં અમલમાં રહેલો એક વિશેષ કાયદો છે। આ કાયદો મુખ્યત્વે એવા વિસ્તારોમાં લાગુ કરવામાં આવે છે.
જ્યાં સાંપ્રદાયિક સંવેદનશીલતા હોય અશાંત ધારો લાગુ હોય તેવા વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન કે જમીન વેચવી હોય તો ખરીદનાર અને વેચનાર બંને પક્ષકારોની સ્વતંત્ર સંમતિ હોવી જરૂરી છે. કલેક્ટરને આ વિસ્તારોમાં થતા મિલકત ટ્રાન્સફરની ચકાસણી કરવાની સત્તા છે અને જો કોઈ ગેરરીતિ જણાય તો તે મંજૂરી રદ પણ કરી શકે છે.
(12:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
