તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
ડ્રગ્સના વધતા દૂષણને જડમૂળથી ખતમ કરવા રાજ્ય સરકાર એક્શન મોડમાં :1 ડિસેમ્બરથી સમગ્ર રાજ્યમાં મેગા ડ્રાઈવ શરૂ કરાશે
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મેરેથોન બેઠક યોજી: ડ્રગ્સની બાતમી માટે ટોલ ફ્રી નંબર, પોલીસ સ્ટેશનમાં વિશેષ ટીમ, કોલેજોમાં કમિટી અને ડાર્કવેબ સપ્લાય ચેઈન સામે કાર્યવાહી કરાશે.

ગુજરાતમાં ડ્રગ્સના વધતા દૂષણને જડમૂળથી ખતમ કરવા રાજ્ય સરકાર હવે એક્શન મોડમાં આવી છે. આગામી 1 ડિસેમ્બરથી સમગ્ર રાજ્યમાં ડ્રગ્સના નેટવર્ક સામે મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવશે. આ ઝૂંબેશને સફળ બનાવવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મેરેથોન બેઠક યોજી હતી. બેઠકમાં ગૃહ સચિવ, પોલીસ વડા (DGP) સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ડ્રગ્સના સપ્લાયથી લઈને વેચાણ અને નશાના બંધાણીઓ સુધી પહોંચતા નેટવર્કને તોડવા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
રાજ્યમાં ડ્રગ્સના દૂષણ સામે સામાજિક અને કાયદાકીય એમ બંને મોરચે લડત ચલાવવાનો સરકારનો નિર્ધાર છે. બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, 1 ડિસેમ્બરથી ડ્રગ્સ સામેની મેગા ડ્રાઈવ શરૂ થશે. દરેક જિલ્લાના અધિકારીઓ સાથે ચર્ચા કરીને વિગતવાર આયોજન કરવામાં આવ્યું છે. દરેક પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ પકડવા માટે વિશેષ ટીમ બનાવવામાં આવશે, જેથી સ્થાનિક સ્તરે પણ ડ્રગ્સના નેટવર્ક પર સતત નજર રાખી શકાય.
ડ્રગ્સના વેપાર અને હેરાફેરી અંગે સામાન્ય નાગરિકો પણ માહિતી આપી શકે તે માટે 1 ડિસેમ્બરથી ખાસ ટોલ ફ્રી નંબર કાર્યરત કરવામાં આવશે. આ નંબર પર ડ્રગ્સ સંબંધિત બાતમી આપનાર વ્યક્તિની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. સરકારનો હેતુ નાગરિકોની ભાગીદારીથી ડ્રગ્સના વેપારીઓ અને સપ્લાય ચેઈન સુધી પહોંચવાનો છે.
ડ્રગ્સની હેરાફેરી માટે ડાર્કવેબ આધારિત સપ્લાય ચેઈનનો ઉપયોગ થતો હોવાની બાબતને ધ્યાનમાં રાખીને તેને તોડવા માટે પણ ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે, દેશની બહારથી આવતા ડ્રગ્સને રોકવામાં સફળતા મળી છે અને હવે પોલીસનું મુખ્ય ફોકસ ડ્રગ્સ પેડલર્સ પર રહેશે. નશીલા પદાર્થોનું વેચાણ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
