News of Friday, 3rd July 2026
ખેડૂતોના પ્રચંડ આંદોલન સામે આખરે ઝૂકી રાજ્ય સરકાર : વીજલાઇન અને ટાવરના વળતર માટે જંત્રીના બદલે જમીનની વર્તમાન બજાર કિંમતના બમણા દરે ચુકવણી કરવાની ઐતિહાસિક નીતિ જાહેર
મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ૧૨ દિવસની મેરેથોન બેઠકો બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કરી જાહેરાત : હવે ટાવરના પાયાની ચારેય તરફ વધારાના એક મીટરનું વળતર મળશે : ભાવ નક્કી કરવા કલેક્ટરના અધ્યક્ષપદે અને ખેડૂતોના અધિકૃત પ્રતિનિધિઓ તેમજ જે-તે સંબંધિત કંપનીના પ્રતિનિધિઓની વિશેષ સમિતિ રચાશે : જૂના કેસોમાં પણ તફાવતની રકમ એકસાથે ચૂકવાશે

ગાંધીનગર : રાજ્યમાં વીજપોલ અને હાઈટેન્શન વીજલાઇન પસાર થવાના કારણે નુકસાની વેઠતા ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા દિવસોથી ચલાવવામાં આવી રહેલા ઉગ્ર આંદોલનનો આખરે સુખદ અંત નજીક હોય તેમ જણાય રહ્યું છે. ખેડૂતોના ભારે વિરોધ અને આક્રોશ વચ્ચે રાજ્ય સરકારે નમતું જોખીને ખેડૂત હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય જાહેર કર્યો છે. ગાંધીનગર ખાતે સરકારના પ્રવક્તા અને મંત્રી જીતુ વાઘાણીએ એક તાકીદની પ્રેસ કોન્ફરન્સ યોજીને નવી ઉદાર વળતર નીતિની સત્તાવાર જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રીના સીધા માર્ગદર્શન હેઠળ વિવિધ સરકારી વિભાગોના વડાઓ સાથે સતત ૧૨ દિવસ સુધી ચાલેલી મેરેથોન બેઠકો અને દરેક પાસાઓની ઝીણવટભરી ચર્ચા વિચારણા બાદ આ નીતિને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સરકાર ખેડૂતોની ચિંતાઓ અને મુશ્કેલીઓ પ્રત્યે સંપૂર્ણ સંવેદનશીલ હોવાનો દાવો પણ તેમણે કર્યો છે.
*જંત્રી પ્રથા નાબૂદ, હવે માર્કેટ રેટના બમણા દરે ચૂકવાશે વળતર:*
નવી જાહેર કરાયેલી કલ્યાણકારી નીતિ મુજબ, અત્યાર સુધી જે ખેડૂતોની જમીનમાંથી વીજલાઇન પસાર થતી હતી તેઓને જંત્રીના બમણા દરના આધારે વળતર આપવામાં આવતું હતું, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થતું હતું. સરકારે હવે આ જૂની પ્રથા બંધ કરીને વળતરની ગણતરી જમીનની વર્તમાન બજાર કિંમત (માર્કેટ રેટ) ના આધારે કરવાનો નિર્ણય કર્યો છે. નવી નીતિ હેઠળ ખેડૂતોને જમીનની વર્તમાન બજાર કિંમતના સીધા બમણા (બે ગણા) દરે વળતર ચૂકવવામાં આવશે, જે નિર્ણયની લાંબા ગાળાની વ્યાપક અને હકારાત્મક અસરો જોવા મળશે.
*ટાવરના પાયા ઉપરાંત વધારાના એક મીટર વિસ્તારનું પણ વળતર મળશે:*
સરકારે વીજટાવર (હાઈટેન્શન ટાવર) ના કારણે અસરગ્રસ્ત બનતા ખેડૂતો માટે પણ મોટો રાહત આપતો નિર્ણય લીધો છે. અત્યાર સુધીના નિયમ પ્રમાણે ખેડૂતોને માત્ર ટાવરના પાયા માટે રોકાયેલી જમીનનું જ વળતર મળતું હતું. પરંતુ હવેથી ટાવરના દરેક પાયાની ચારેય બાજુએ આવતા વધારાના એક મીટર સુધીના વિસ્તારને પણ વળતર પાત્ર ગણવામાં આવશે અને તેની નિર્ધારિત રકમ ચૂકવવામાં આવશે. આ સુધારાના કારણે અસરગ્રસ્ત ખેડૂતોને તેમની કિંમતી જમીનનું એકદમ યોગ્ય અને ન્યાયસંગત વળતર મળી રહેશે.
*કલેક્ટરના અધ્યક્ષપદે રચાશે વિશેષ સમિતિ, તમામ નાણાં એકસાથે અપાશે:*
જમીનની વાસ્તવિક બજાર કિંમત (MRC) નક્કી કરવામાં કોઈ વિવાદ ન સર્જાય તે માટે સરકારે એક વિશેષ સમિતિ બનાવવાની જાહેરાત કરી છે. આ હાઈપાવર કમિટીમાં સંબંધિત જિલ્લાના કલેક્ટર અધ્યક્ષ સ્થાને રહેશે. આ ઉપરાંત સમિતિમાં અસરગ્રસ્ત ખેડૂતોના અધિકૃત પ્રતિનિધિઓ તેમજ જે-તે સંબંધિત કંપનીના પ્રતિનિધિઓને પણ સ્થાન આપવામાં આવશે. આ સમિતિ સ્થાનિક સ્તરે જમીનના જે બજારભાવ નક્કી કરશે, તેના આધારે જ વળતરની આખરી રકમ સરભર કરવામાં આવશે. આ ઉપરાંત, અગાઉ વળતરની રકમ કટકે-કટકે એટલે કે તબક્કાવાર ચૂકવવામાં આવતી હતી, જેના બદલે હવે નવી નીતિ હેઠળ સંપૂર્ણ વળતરની રકમ ખેડૂતને એકસાથે (લમ્પસમ) ચૂકવી દેવાશે જેથી તેમને કચેરીઓના ધક્કા ન ખાવા પડે.
*જૂના વળતર મેળવનારા ખેડૂતોને પણ મળશે તફાવતનો મોટો લાભ:*
સરકારની આ જાહેરાતમાં સૌથી મહત્વની બાબત એ છે કે, આ નીતિનો અમલ ભૂતકાળના કેસોમાં પણ કરવામાં આવશે. જે ખેડૂતોને અગાઉ જૂના નિયમો કે જંત્રીના આધારે વળતરની ચુકવણી થઈ ચૂકી છે, તેઓને પણ આ નવી નીતિનો લાભ અપાશે. આવા કિસ્સાઓમાં જૂની નીતિ હેઠળ ચૂકવાયેલા વળતર અને નવી નીતિ હેઠળ મળવાપાત્ર થતા વળતર વચ્ચેની જે તફાવતની રકમ (ડિફરન્સ) નીકળશે, તે પણ ખેડૂતોને ચૂકવી દેવામાં આવશે. મંત્રી જીતુ વાઘાણીએ ઉમેર્યું હતું કે ગુજરાતમાં ખેતીની જમીનની બજાર કિંમત દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ઘણી ઊંચી છે, જેને કારણે આ ઐતિહાસિક નિર્ણયનો સીધો અને સૌથી મોટો આર્થિક લાભ રાજ્યના હજારો ખેડૂતોને મળશે.
(6:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
