<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

ગ્રામસેવકોના માસિક પ્રવાસ ભથ્થામાં રાજ્ય સરકાર દ્વારા મોટો વધારો : હવે રૂ. ૧,૮૫૦ને બદલે મળશે રૂ. ૨,૭૦૦ માસિક ભથ્થું

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ૨,૯૦૦થી વધુ ગ્રામસેવકોની રજૂઆતને અપાઈ હકારાત્મક વાચા : ક્ષેત્રિય કામગીરી વધુ સુચારુ બનશે - પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર -રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ખેતીવાડી અને કૃષિ યોજનાઓનું અસરકારક અમલીકરણ કરતા ગ્રામસેવકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં કૃષિ વિભાગ હેઠળ ફરજ બજાવતા ગ્રામસેવકોના માસિક પ્રવાસ ભથ્થામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.

આ અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કૃષિ વિભાગ હેઠળ હાલ અંદાજે ૨,૯૦૦ જેટલા ગ્રામસેવકો કાર્યરત છે. સરેરાશ એક ગ્રામસેવકે પોતાના ફાળવેલા સેજામાં ૪ થી ૫ કે તેથી વધુ ગામોમાં સતત ક્ષેત્રિય પ્રવાસ કરવાનો રહે છે. આ વ્યાપક ક્ષેત્રિય કામગીરી અને ગ્રામસેવકોની રજૂઆતોને ધ્યાને લઈને, અગાઉ મળતા માસિક રૂ. ૧,૮૫૦ના પ્રવાસ ભથ્થામાં રૂ. ૮૫૦નો વધારો કરીને તે માસિક રૂ. ૨,૭૦૦ કરવાનો પ્રોત્સાહક નિર્ણય લેવામાં આવ્યો છે.

ગ્રામસેવકોની વધી રહેલી કામગીરી અને સરકારી યોજનાઓ:
મંત્રીએ ઉમેર્યું હતું કે, ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક એ રાજ્ય સરકાર અને ખેડૂતો વચ્ચેની કડીરૂપ પાયાના કર્મચારી છે. રાજ્યમાં ખાતેદાર ખેડૂતોની સંખ્યામાં સતત વધારો થયો છે અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતો સુધી પહોંચાડવામાં તેઓ નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે. વર્તમાન સમયમાં ગ્રામસેવકોની કામગીરીનો વ્યાપ ઘણો વધ્યો છે, જેમાં મોબાઈલ એપ મારફતે પાકના વાવેતર તથા ઉત્પાદનનો ડિજિટલ સર્વે કરવો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઇ-કેવાયસી (e-KYC) કરાવવું, કુદરતી આપત્તિ કે અતિવૃષ્ટિ સમયે ખેતરોમાં જઈને સર્વે કરવો તેમજ કૃષિ મહોત્સવ, ટેકાના ભાવે ખરીદી અને પ્રાકૃતિક કૃષિ ઝુંબેશ માટે ગામડાઓ સુધી સતત પહોંચવું અનિવાર્ય બન્યું છે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી ક્ષેત્રિય કક્ષાએ ફરજ બજાવતા ગ્રામસેવકોની કામગીરી વધુ ઝડપી અને સુચારુ બનશે, જેનો સીધો લાભ રાજ્યના લાખો ખેડૂતોને પ્રાપ્ત થશે.

(8:12 PM IST)