<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

સ્ટેટ GST વિભાગ દ્રારા પાન ,બીડી, સિગારેટ, સોપારી, તમાકુ વેપારીઓ સામે રાજ્યવ્યાપી દરોડા : પ્રાથમિક તપાસમાં 6.54 કરોડની કરચોરી ખુલી

અમદાવાદ, ડીસા, પાલનપુર, પાટણ, બેચરાજી, રાધનપુર, વિસનગર, ઊંઝા, મહેસાણા અને બાવળા ખાતેના 27 વેપારીઓને ત્યાં 41 ધંધાકીય સ્થળો પર એકસાથે તપાસની કાર્યવાહી

ગુજરાત સ્ટેટ GST વિભાગ દ્રારા ગ્રાહક સાથે બિઝનેસ કરતાં પાન મસાલા, બીડી, સિગારેટ, સોપારી, તમાકુ અને ચુનાના વેપારીઓ સામે રાજયવ્યાપી સાગમટે દરોડા પાડીને પ્રાથમિક તપાસમાં જ 6.54 કરોડની કરચોરીનો પર્દાફાશ થવા પામ્યો છે

પાન મસાલા, બીડી, સિગારેટ, સોપારી, તમાકુ અને ચુનાના વેપાર સાથે સંકળાયેલાં કેટલાંક વેપારીઓ દ્રારા બિલ વિના વેચાણ કરવામાં આવતું હોવા અંગેની તેમ જ જીએસટીના નિયમોના પાલનમાં ગેરરીતિઓ આચરવામાં આવતી હોવાની મળેલી માહિતીના પગલે ગુજરાત રાજય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ( SGST ) વિભાગ દ્રારા 8મી જુલાઇના રોજ ગુજરાતના ખાસ કરીને અમદાવાદ, ડીસા, પાલનપુર, પાટણ, બેચરાજી, રાધનપુર, વિસનગર, ઊંઝા, મહેસાણા અને બાવળા ખાતેના 27 વેપારીઓને ત્યાં 41 ધંધાકીય સ્થળો પર એકસાથે તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન અનેક સ્થળોએ હિસાબી ચોપડા અને સ્થળ પર ઉપલબ્ધ વાસ્તવિક સ્ટોક વચ્ચે નોંધપાત્ર તફાવત જોવા મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે, કેટલાંક કરદાતાઓ દ્રારા બિલ વિના તથા હિસાબમાં નોંધ કર્યા વિના મોટા પ્રમાણમાં વેચાણ કરવામાં આવતું હતું. આ રીતે વાસ્તવિક ટર્નઓવર ઓછું દર્શાવીને વેરાની જવાબદારી ટાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ સ્ટોક તફાવત, બિનહિસાબી વેચાણ અને અન્ય ગેરરીતિઓના આધારે પ્રાથમિક તબક્કે 6.54 કરોડની કરચોરી જણાઇ આવી છે. વિભાગ દ્રારા ગુજરાત ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ 2017ની જોગવાઇ અનુસાર વેરાની વસૂલાત તથા જરૂરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ કાર્યવાહનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકોને બિલ વિના થતાં વેચાણને અટકાવવો, વાસ્તવિક ટર્નઓવર રિટર્નમાં દર્શાવવાનું સુનિશ્ચિત કરવું અને નિયમિત કરપાલનને પ્રોત્સાહન આપવાનો છે. વિભાગ દ્રારા ઉપલબ્ધ માહિતીનું સતત સંકલન અને વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે તથા અન્ય મહત્વના બી2સી ક્ષેત્રોમાં પણ કરચોરીના કિસ્સાંઓ શોધી કાઢવા આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે.

 

(9:35 PM IST)