તા. ૧૯ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૨ ગુરૂવાર
News of Saturday, 28th November 2026
રાજ્યમાં હવે શિયાળાની ખરી જમાવટ થવાની તૈયારીમાં :કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાશે: અંબાલાલ પટેલ
આગામી 3 ડિસેમ્બર આસપાસ અરબ સાગરમાં અને ઉત્તર ભારતમાં હળવા કક્ષાના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતા

અમદાવાદ :રાજ્યમાં અલ-નીનોની અસરને કારણે દિવસે થોડી ગરમી અને રાત્રે સામાન્ય ઠંડીનો બેવડી ઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, હવે શિયાળાની જમાવટ થવાની તૈયારીમાં છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું જોર વધવા અંગે આગાહી કરી છે, જે મુજબ ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ વાતાવરણમાં મોટો પલટો આવશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, હાલ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય ન હોવાથી જોઈએ તેવી ઠંડી પડતી નથી. પરંતુ આગામી 3 ડિસેમ્બર આસપાસ અરબ સાગરમાં અને ઉત્તર ભારતમાં હળવા કક્ષાના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. તેના કારણે ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે. પરિણામે, 4થી 10 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં પણ ઠંડીનો તીવ્ર ચમકારો અનુભવવા મળશે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 15ડિસેમ્બર સુધીમાં વધુ એક પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા છે, જેના કારણે ૧૫ ડિસેમ્બર બાદ અને ખાસ કરીને 17, 18 અને 19 ડિસેમ્બરના રોજ ઠંડા પવનો ફૂંકાતા હાડ થીજવતી ઠંડી પડશે. ત્યારબાદ 22 ડિસેમ્બર પછી ફરી હિમવર્ષા થતાં 27થી 29 ડિસેમ્બર દરમિયાન પણ હાડ કંપાવતી ઠંડીનો રાઉન્ડ આવશે
ઠંડીના આ રાઉન્ડની ખેતી પર થનારી અસર અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, ડિસેમ્બરની આ ઠંડી ઘઉં, ચણા અને દિવેલા જેવા રવિ પાકો માટે અત્યંત સાનુકૂળ રહેશે અને સારું ઉત્પાદન મળશે. જોકે, વચ્ચે-વચ્ચે પડતી ગરમી અને વિષમ હવામાનને કારણે ઊભા કૃષિ પાકોમાં ઈયળ અને જીરા જેવા પાકમાં રોગ આવવાની ભીતિ રહેલી છે, તેથી ખેડૂત ભાઈઓએ અત્યારથી જ પાક માવજત રાખવી વધુ હિતાવહ રહેશે. .
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
