તા. ૧૫ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૬ રવિવાર
News of Sunday, 15th November 2026
છોટાઉદેપુર ખાતે રાજ્યકક્ષાના 'જનજાતીય ગૌરવ દિવસ'ની ઉજવણી: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રૂ. ૩.૫ કરોડના ખર્ચે નિર્મિત ૬ અત્યાધુનિક મીની ફાયર ટેન્ડરનું લોકાર્પણ
ભગવાન બિરસા મુંડા સર્કલથી એસ. એન. કોલેજના ગ્રાઉન્ડ સુધી મુખ્યમંત્રીનો ભવ્ય રોડ-શો

ગાંધીનગર :ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી માટે છોટા ઉદેપુર જિલ્લાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો જાહેર સભાને સંબોધતા પહેલા નગરના ભગવાન બિરસા મુંડા સર્કલથી એસ. એન. કોલેજના ગ્રાઉન્ડ સુધી ભવ્ય રોડ શો યોજાયો હતો.
આ ગૌરવવંતા અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવતા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશનની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલ અંદાજે રૂ. ૩.૫ કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલી કુલ ૬ અત્યાધુનિક મીની ફાયર ટેન્ડરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આયોજિત વિવિધ કલ્યાણકારી યોજનાઓ, વિકાસ કાર્યો અને પ્રકલ્પોની માહિતી આપતી પ્રદર્શનીને ખુલ્લી મૂકી હતી. આ પ્રદર્શની આગામી ૩ દિવસ સુધી નાગરિકો અને મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે, જેથી સ્થાનિક જનતા સરકાર દ્વારા આદિવાસી સમાજના ઉત્થાન માટે અમલમાં મુકાયેલી વિવિધ જનકલ્યાણ યોજનાઓથી વિશેષ માહિતગાર થઈ શકે અને તેનો મહત્તમ લાભ મેળવી શકશે.
મુખ્યમંત્રીની રોડ-શો અને પ્રદર્શનીની મુલાકાત વેળાએ તેમની સાથે લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, રાજ્યસભાના સાંસદ ડો. મુકેશભાઈ રાઠવા, ધારાસભ્ય સર્વ રાજેન્દ્રસિંહ રાઠવા,જયંતિભાઈ રાઠવા, અભેસિંહ તડવી, પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા, પૂર્વ સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, આદિજાતિ વિકાસ વિભાગના સચિવ આલોકકુમાર પાંડે અને નિયામક રચિત રાજ, જિલ્લા કલેક્ટર શ્રીમતી ગાર્ગી જૈન, જિલ્લા વિકાસ અધિકારી ઓમકારસિંહ શિંદે સહિત સ્થાનિક પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
