<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

વડોદરા ગ્રામ્યના કરજણમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)નું મોટું અને સપાટો બોલાવતું ઓપરેશન: ઠાકોરવાસમાં આકસ્મિક દરોડા પાડીને રૂ. ૨૬.૬૧ લાખના વિદેશી દારૂ સહિત કુલ રૂ. ૫૦.૨૧ લાખનો મુદ્દામાલ જપ્ત, ૩ બુટલેગરોની ધરપકડ

સ્થાનિક પોલીસની રહેમનજર વચ્ચે ધમધમતા શરાબના મોટા નેટવર્કનો પર્દાફાશ, રેડ દરમિયાન ૧૧ વાહનો અને ૫ મોબાઈલ કબ્જે કરાયા જ્યારે અન્ય ૩ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા

કરજણ : વડોદરા જિલ્લાના કરજણ પોલીસ સ્ટેશનની હદમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC) દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી અને આક્રમક કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં કરજણના ઠાકોરવાસ વિસ્તારમાં સચોટ બાતમીના આધારે પાડેલા રેડમાં લાખો રૂપિયાની કિંમતનો વિદેશી શરાબ અને વાહનો ઝડપાઈ જતાં બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, SMCની ટીમે કરજણ ગામમાં એસ.ટી. ડેપોની સામે આવેલા ઠાકોરવાસ અને જોગણી માતાના મંદિર પાસે આવેલા મકાનો તેમજ આસપાસ પાર્ક કરાયેલા વાહનો પર અચાનક ત્રાટકીને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં જુદી જુદી જગ્યાઓ પર છુપાવેલો કુલ રૂ. ૨૬,૬૧,૯૯૯ ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો.

 

આ દરોડા દરમિયાન પોલીસે દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા ૧૧ શંકાસ્પદ વાહનો, ૫ મોબાઈલ ફોન અને અન્ય સામાન સહિત કુલ રૂ. ૫૦,૨૧,૯૯૯ નો તોતિંગ મુદ્દામાલ જપ્ત કર્યો હતો, અને સ્થળ પરથી મહેન્દ્રકુમાર જીતુભાઈ ઠાકોર, પ્રશાંતકુમાર વિસરામભાઈ શાંખલા તથા અક્ષયકુમાર જસવંતભાઈ વસાવા નામના ત્રણ બુટલેગરોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.

 

પોલીસ પૂછપરછ અને તપાસમાં આ રેકેટ સાથે સંડોવાયેલા ચિરાગ રાજુભાઈ ઠાકોર, એક અજાણ્યા 'ડી.કે.' નામના શખ્સ તેમજ વાહનોના અસલી માલિકો સહિત અન્ય ૩ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, અને તમામ વિરુદ્ધ કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

રાજ્યમાં ગેરકાયદેસર દારૂના વેપાર પર લગામ કસવા માટે ઉચ્ચ કક્ષાએથી આપવામાં આવેલી સખત સૂચનાઓના ભાગરૂપે એસએમસીની આ સફળ રેડે સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી સામે પણ મોટા સવાલો ઊભા કર્યા છે, ત્યારે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અને આ સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

(6:52 PM IST)