<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

જાફરાબાદના દરિયા કાંઠે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમના દરોડા :દમણથી બોટથી લવાયેલી વિદેશી દારૂની 6,859 બોટલો જપ્ત

SMCએ વાહનો સહિત કુલ 33.89 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો: સ્થળ પરથી 4 આરોપીઓની ધરપકડ : અન્ય 11 બુટલેગરો થયા ફરાર

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો હવે નવા રસ્તાઓ શોધી રહ્યા છે, પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની સતર્કતાએ ફરી એકવાર મોટા સ્કેન્ડલનો પર્દાફાશ કર્યો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ (Jafrabad) ના સામાકાંઠે દરિયાઈ માર્ગે થતી દારૂની તસ્કરી પર SMC ની ટીમે ત્રાટકી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, બુટલેગરો દમણથી દરિયાઈ માર્ગે બોટ મારફતે દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાની પેરવીમાં હતા. SMC ની ટીમે ચોક્કસ બાતમીના આધારે જાફરાબાદ દરિયાકાંઠે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ 6,859 વિદેશી દારૂની બોટલો ઝડપાઈ હતી. પોલીસની આ રેડ દરમિયાન ઘટનાસ્થળેથી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 11 શખ્સો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.

SMC દ્વારા આ ઓપરેશનમાં દારૂના જથ્થા ઉપરાંત 6 વાહનો સહિત કુલ રૂ. 33,89,380નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આ દારૂનો જથ્થો દમણથી લગભગ 90 નોટિકલ માઈલ દૂર દરિયાઈ માર્ગે જાફરાબાદ લાવવામાં આવ્યો હતો. આ મામલે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં 11 ફરાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દરિયાઈ સુરક્ષા વચ્ચે પણ આટલી મોટી માત્રામાં દારૂ કેવી રીતે પહોંચ્યો તે હવે તપાસનો વિષય બન્યો છે.

(10:36 PM IST)