News of Thursday, 21st May 2026
વાડવા રૂટની બસ સેવા બંધ થતા વિદ્યાર્થીઓ અને મજૂરો અટવાયા : ડેપો મેનેજરને રજૂઆત
દેડીયાપાડા એસ.ટી. વિભાગ સામે ગ્રામજનોમાં રોષ, “જીવનરેખા” સમાન બસ સેવા તાત્કાલિક શરૂ કરવાની માંગ

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના વાડવા વિસ્તારના ગ્રામજનોએ દેડીયાપાડા એસ.ટી. ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી વાડવા રૂટની બંધ કરાયેલી રેગ્યુલર બસ સેવા તાત્કાલિક ફરી શરૂ કરવાની માંગ કરી છે. લાંબા સમયથી બસ સેવા બંધ રહેતા વિદ્યાર્થીઓ, નોકરીયાત કર્મચારીઓ, મજૂરો અને રોજિંદા મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ દેડીયાપાડા બસ સ્ટેન્ડથી સાંજે વાડવા તરફ જતી બસ અનેક ગામોના લોકો માટે જીવનરેખા સમાન હતી. આ બસ મારફતે આઈ.ટી.આઈ., કોમ્પ્યુટર ક્લાસ, નોકરી તથા મજૂરી માટે જતા લોકો નિયમિત અવરજવર કરતા હતા. પરંતુ અચાનક બસ સેવા બંધ કરી દેવાતા હવે 30 થી 35 કિલોમીટર સુધીના અંતરે આવેલા ગામોના લોકોને ઘરે પહોંચવા માટે કોઈ યોગ્ય વાહન સુવિધા ઉપલબ્ધ રહી નથી.
વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો કે બસના અભાવે અભ્યાસ પર સીધી અસર પડી રહી છે, જ્યારે નોકરીયાત લોકો સમયસર કામના સ્થળે પહોંચી શકતા નથી. બીજી તરફ મજૂર વર્ગને રોજગારી ગુમાવવાનો ભય સતાવી રહ્યો છે. ગ્રામજનોમાં એવો પણ રોષ જોવા મળી રહ્યો છે કે ગ્રામ્ય વિસ્તારની જનતાની સમસ્યાઓ પ્રત્યે એસ.ટી. વિભાગ ગંભીરતા દાખવી રહ્યું નથી.
સ્થાનિકોમાં ચર્ચા છે કે એક તરફ સરકાર ગ્રામ્ય વિસ્તાર સુધી સુવિધા પહોંચાડવાના દાવા કરે છે, જ્યારે બીજી તરફ આવશ્યક બસ સેવાઓ જ બંધ કરી દેવાતા સામાન્ય જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
ગ્રામજનોએ ચેતવણીભર્યા સ્વરે જણાવ્યું છે કે જો તાત્કાલિક બસ સેવા ફરી શરૂ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર રજૂઆતો અને આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. હાલ સમગ્ર વાડવા પંથકની નજર એસ.ટી. વિભાગની કાર્યવાહી પર મંડરાયેલી છે.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
