News of Tuesday, 12th May 2026
અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પર પ્રાંતિજ નજીક રસલપુર પાસે ચાલતી કારમાં અચાનક આગ લાગી
ચાલકે સમયસૂચકતા વાપરી કારને રોકી દીધી હતી અને તરત જ બહાર નીકળી ગયો

અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પર પ્રાંતિજ નજીક આવેલા રસલપુર પાસે આજે એક કારમાં અચાનક આગ લાગી હતી. કાર હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે જ એન્જિનના ભાગેથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આખી કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. હાઈવે પર ભડભડ સળગતી કારને જોઈને અન્ય વાહનચાલકોમાં પણ ફાળ પડી હતી.
કારમાં આગ લાગતા જ ચાલકે અત્યંત સતર્કતા દાખવી હતી. આગની તીવ્રતા વધે તે પહેલાં જ ચાલકે સમયસૂચકતા વાપરી કારને રોકી દીધી હતી અને તરત જ બહાર નીકળી ગયો હતો. ચાલક સમયસર બહાર આવી જતાં તેનો આબાદ બચાવ થયો છે. આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, જે એક રાહતના સમાચાર છે.
આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં લાખોની કિંમતની કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાને પગલે હાઈવે પરના વાહનવ્યવહાર પર પણ અસર પડી હતી અને થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. હાઈવે પર હાજર લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા આગ ઓલવવાની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં કારનો માત્ર લોખંડનો સામાન જ બાકી રહ્યો હતો.
(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
