News of Tuesday, 26th May 2026
શેરડી પકવતા ખેડૂતોને મળશે મોટો લાભ :સહકારી ખાંડ મંડળીઓએ ચુકવેલ વધારાના શેરડી ભાવોને સરકારની મંજૂરી:મંત્રી જીતુભાઇ વાઘાણીની જાહેરાત
ઇન્કમટેક્સ વિભાગે ખાંડ મંડળીઓ દ્વારા ખેડૂતોને ચૂકવાયેલા આ વધારાના ભાવોને મંડળીઓનો 'નફો' ગણી લીધો હતો અને તેના પર ટેક્સ વસૂલવા માટે મંડળીઓને કરોડો રૂપિયાની ડિમાન્ડ નોટિસો ફટકારી હતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારે રાજ્યના સહકારી ક્ષેત્ર અને ખાસ કરીને શેરડી પકવતા ખેડૂતોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણય જાહેર કર્યો છે. રાજ્ય સરકારે વર્ષ 2007-08 થી 23014-15 દરમિયાન ગુજરાતની વિવિધ ખાંડ મંડળીઓ દ્વારા શેરડી ઉત્પાદક ખેડૂતોને ચૂકવવામાં આવેલા ભાવોને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. સરકારના આ ઐતિહાસિક નિર્ણયના પરિણામે રાજ્યની ખાંડ સહકારી મંડળીઓને અંદાજિત રૂ.1500 કરોડનો સીધો આર્થિક ફાયદો થશે, જેનો અંતિમ લાભ રાજ્યના 2 લાખથી વધુ ખેડૂતોને મળવા પાત્ર થશે.
આ નિર્ણય અંગે વિગતવાર માહિતી આપતા રાજ્યના કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, સામાન્ય રીતે દેશની ખાંડ મંડળીઓ દ્વારા ખેડૂતોને ભારત સરકાર દ્વારા નિર્ધારિત કરાયેલા FRP મુજબ ચૂકવણી કરવામાં આવતી હોય છે. જો કે, ગુજરાતની સહકારી ખાંડ મંડળીઓ માત્ર ખાંડના વેચાણ પર નિર્ભર નથી. આ મંડળીઓએ મોલાસીસ, ઇથેનોલ અને કો-જનરેશન પ્લાન્ટ દ્વારા થતા વીજ ઉત્પાદન જેવી વિવિધ બાય-પ્રોડક્ટ્સમાંથી થતી બમ્પર આવકનો સિંહફાળો પણ સીધો ખેડૂતોના ખિસ્સા સુધી પહોંચાડ્યો છે. આ જ કારણ છે કે દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતના શેરડી ઉત્પાદક ખેડૂતોને હંમેશા ખૂબ ઊંચા ભાવો મળતા આવ્યા છે.
આ મજબૂત સહકારી માળખા સામે ભૂતકાળમાં એક મોટો કાયદાકીય અવરોધ ઊભો થયો હતો. ઇન્કમટેક્સ વિભાગે ખાંડ મંડળીઓ દ્વારા ખેડૂતોને ચૂકવાયેલા આ વધારાના ભાવોને મંડળીઓનો 'નફો' ગણી લીધો હતો અને તેના પર ટેક્સ વસૂલવા માટે મંડળીઓને કરોડો રૂપિયાની ડિમાન્ડ નોટિસો ફટકારી હતી. વર્ષ 2007-08 થી 2014-15 ના સમયગાળાના આ જટિલ કરવેરા વિવાદને કારણે ગુજરાતની સહકારી ખાંડ મંડળીઓ પર અંદાજે રૂ.1500 કરોડ જેટલો મોટો આર્થિક બોજો આવી પડવાની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી.
આ ગંભીર કટોકટીનો ઉકેલ ત્યારે આવ્યો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં અલગ સહકાર મંત્રાલયની સ્થાપના કરી અને તેની કમાન કેન્દ્રીય મંત્રી અમિત શાહને સોંપી. કેન્દ્રીય સહકાર મંત્રાલયના ભગીરથ પ્રયાસોના પરિણામે વર્ષ ૨૦૨૩માં ઇન્કમટેક્સ કાયદાની જોગવાઈઓમાં એક ઐતિહાસિક સુધારો કરવામાં આવ્યો. આ નવા સુધારા અંતર્ગત એવી કાયદાકીય જોગવાઈ ઉમેરાઈ કે જો રાજ્ય સરકાર જે-તે સમયના શેરડીના ભાવોને સત્તાવાર મંજૂરી આપી દે, તો તેને ઇન્કમટેક્સના હેતુ માટે પણ માન્ય ગણવામાં આવશે અને મંડળીઓ પર લાદવામાં આવેલો વધારાનો ટેક્સ નાબૂદ થશે.
કેન્દ્ર સરકારના આ ટેક્સ સુધારાનો લાભ ગુજરાતની મંડળીઓને અપાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્ય કક્ષાએ એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ ભૂતકાળના તમામ પાસાઓનો ઊંડો અભ્યાસ કરીને રાજ્ય સરકારને પોતાનો હકારાત્મક અહેવાલ સુપ્રત કર્યો હતો. સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને ગુજરાત સરકારે વર્ષ 2007 થી 2015 સુધીના ગાળાના ચૂકવાયેલા ભાવોને સત્તાવાર બહાલી આપી દીધી છે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
