તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Tuesday, 14th April 2026
સુરતમા જિમ ટ્રેનરે મહિલાને પ્રેમજાળમાં ફસાવી પતિ પાસે લાખોની માંગી ખંડણી : પોલીસે કરી કાર્યવાહી
જિમ ટ્રેનર શબ્બીર અસગર ત્રુંકવાલાએ મહિલા સાથે મિત્રતા કેળવી, બ્લેકમેલ કરી પતિને ધમકાવી રૂપિયા પડાવવાનો કર્યો પ્રયાસ : ફરિયાદ બાદ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ

સુરત તા.૧૪:શહેરમાં જિમ ટ્રેનર દ્વારા મહિલાને પ્રેમજાળમાં ફસાવીને તેના પતિ પાસેથી લાખો રૂપિયાની ખંડણી માંગવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડિંડોલી વિસ્તારમાં રહેતા આરોપી જિમ ટ્રેનર શબ્બીર અસગર ત્રુંકવાલાએ એક પરિણીત મહિલાને પોતાની વાતોમાં ફસાવી, અંગત પળોનો વીડિયો ઉતારીને બાદમાં તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, આરોપી મહિલાના પતિનો મિત્ર હતો અને એક જ સોસાયટીમાં અલગ બ્લોકમાં રહેતો હતો. 2023માં હોળીના દિવસે આરોપી મહિલાના ઘરે આવ્યો હતો. મહિલાએ ચા બનાવવા જતાં આરોપીએ તેને નશાયુક્ત ઠંડાઈ પીવડાવી દીધી હતી. બેભાન થયા બાદ આરોપીએ મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વીડિયો પણ ઉતારી લીધો હતો.
બાદમાં આરોપી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી મહિલાને વેસુ અને અલથાણની હોટલોમાં તેમજ દમણ લઈ જઈને વારંવાર શારીરિક શોષણ કરતો હતો. વીડિયો ડિલીટ કરવા માટે આરોપીએ મહિલા પાસેથી અલગ-અલગ સમયે કુલ રૂ. 3.70 લાખ રોકડા અને સોનાના દાગીના સહિત કુલ રૂ. 10.30 લાખનું સોનું પડાવી લીધું હતું. એટલું જ નહીં, આરોપીએ મહિલાના પતિને પણ ધમકાવીને લાખો રૂપિયાની ખંડણી માંગી હતી.
આખરે કંટાળીને ભોગ બનનાર મહિલાએ હિંમત કરી પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે આરોપી શબ્બીર ત્રુંકવાલા વિરુદ્ધ દુષ્કર્મ, બ્લેકમેલિંગ અને ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે સુરતમાં જિમ ટ્રેનરો દ્વારા મહિલાઓને 'લવ ટ્રેપ'માં ફસાવીને બ્લેકમેલ કરવાના કિસ્સા વધતાં પોલીસે તાજેતરમાં જ જિમ માટે કડક ગાઈડલાઈન જારી કરી છે. SOG દ્વારા વેસુ, પીપલોદ, રાંદેર, અડાજણ અને પાલ વિસ્તારના જિમ સંચાલકો સાથે બેઠક કરી ટ્રેનર્સની ભરતી પહેલા બેકગ્રાઉન્ડ વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે અને જિમમાં વોઈસ રેકોર્ડિંગવાળા CCTV લગાવવાનો આદેશ આપ્યો છે.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
