<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

સુરતમાં ‘શિવા ગેંગ’ના નામે ફ્રૂટ વેપારી પાસેથી ₹1.25 લાખની ખંડણી ઉઘરાવનાર શિવા નો પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતની સૂચનાથી ડીસીપી રાજદીપસિંહ નકુમ અને ઇન્સ્પેક્ટર અતુલ સોનારાએ જાહેરમાં વરઘોડો કાઢ્યો : જુઓ વિડીયો

વેપારી કેશરઅલી સૈયદને ચપ્પુ બતાવી ધમકાવનાર શિવરાજસિંહ ઝાલા, રામ ઝાલા, સોહેલ ઘડિયાળી સહિતના શખ્સો સામે ઉધના પોલીસે ગુનો નોંધ્યા બાદ કડક હાથે કાર્યવાહી : ગૃહમંત્રીના સંકેત બાદ સુરત પોલીસના 36 કલાકમાં બે હાફ એન્કાઉન્ટર અને જાહેરમાં સરઘસથી અસામાજિક તત્વોમાં ફફડાટ

સુરત:  સુરત શહેરમાં ગુનેગારો અને ગેંગના નામે વેપારીઓ પાસેથી નાણાં પડાવતા તત્વો વિરુદ્ધ પોલીસ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. ઉધના વિસ્તારમાં ‘શિવા ગેંગ’ના નામે ફ્રૂટના વેપારી પાસેથી રૂ. 1.25 લાખની ખંડણી વસૂલનાર શિવરાજસિંહ ઉર્ફે શિવા દરબાર ઝાલાનો પોલીસ દ્વારા જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતની કડક સૂચના બાદ ડીસીપી રાજદીપસિંહ નકુમના નેતૃત્વમાં પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારાએ આ કાર્યવાહી કરી હતી.

 શું હતી ખંડણીની ઘટના?

ફ્રૂટનો વ્યવસાય કરતા ફરિયાદી કેશરઅલી આબેદઅલી સૈયદ ગત 4 જાન્યુઆરી 2026ની રાત્રે 11 વાગ્યાના અરસામાં ઉધના એમ-4 માર્કેટ પાસે નવકેતન સોસાયટીની પાછળ ઉભા હતા. તે સમયે બુલેટ અને મોપેડ પર આવેલા શિવરાજસિંહ ઉર્ફે શિવા દરબાર ઝાલા અને તેના સાગરીતોએ તેમને ઘેરી લીધા હતા. આરોપીએ ધમકી આપી હતી કે, “સુરતમાં ફ્રૂટનો ધંધો કરવો હોય તો ‘શિવા ગેંગ’ માટે દરરોજ એક હજાર રૂપિયા અલગ રાખવા પડશે.”

આ દરમિયાન આરોપીઓએ ફરિયાદી પાસે પૈસાની માંગણી કરતા ડરના માર્યા તેમણે પહેલા રૂ. 25 હજાર આપ્યા હતા. જોકે, આરોપી સોહેલ ઉર્ફે સોહેલ ઘડિયાળીએ તેમને તમાચા માર્યા હતા અને રામ ઝાલાએ ચપ્પુ કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જીવ બચાવવા માટે ફરિયાદીએ પોતાના ખિસ્સામાં રહેલા બીજા રૂ. 1 લાખ પણ આપી દીધા હતા.

 પોલીસની કડક કાર્યવાહી અને જાહેર વરઘોડો

વેપારીની ફરિયાદના આધારે ઉધના પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ શિવરાજસિંહ ઉર્ફે શિવા દરબાર ઝાલા, રામ ઝાલા, શાહરૂખ ઉર્ફે શાહરૂખ સેવન, રોહિત ભીખુભાઈ રાઠોડ અને સોહેલ ઉર્ફે સોહેલ ઘડિયાળી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. તપાસ પીએસઆઈ પી.પી. ખટાણાને સોંપવામાં આવી હતી.

ગૃહમંત્રી દ્વારા અસામાજિક તત્વોને તેમની જ ભાષામાં જવાબ આપવાના સંકેત બાદ સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે છેલ્લા 36 કલાકમાં બે હાફ એન્કાઉન્ટર પણ કર્યા છે. આ કડક વલણના ભાગરૂપે જ શિવા દરબારનો જાહેરમાં વરઘોડો કાઢતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને પોલીસની આ કામગીરીને જનતાએ વધાવી લીધી હતી. આ કાર્યવાહી દ્વારા સુરત પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરનારને છોડવામાં આવશે નહીં.

(5:32 PM IST)