News of Saturday, 9th May 2026
સુરત એરપોર્ટ પર DRI નો મોટો સપાટો : બેંગકોકથી ફ્લાઈટમાં છુપાવીને લવાયેલો 8 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો
ફ્લાઈટની સીટ નીચે અને કુશનમાં સંતાડેલા 8.5 કિલો નશીલા પદાર્થ સાથે આંતરરાજ્ય ગેંગના ચાર સાગરીતોની ધરપકડ : કસ્ટમ વિભાગે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી

સુરત : સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નશીલા પદાર્થોની તસ્કરીના એક મોટા નેટવર્કનો ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) અને કસ્ટમ વિભાગે પર્દાફાશ કર્યો છે. બેંગકોકથી સુરત આવેલી ફ્લાઈટમાં મુસાફરોના સ્વાંગમાં છુપાઈને લવાયેલો અંદાજે 8 કરોડ રૂપિયાની કિંમતનો હાઈબ્રિડ (હાઈડ્રોપોનિક) ગાંજો એજન્સીઓએ જપ્ત કર્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત ડ્રગ્સ માફિયાઓ દ્વારા અપનાવવામાં આવેલી આ નવી મોડસ ઓપરેન્ડી જોઈને તપાસનીશ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
સીટ નીચે અને કુશનમાં છુપાવ્યો હતો જથ્થો
ચોક્કસ બાતમીના આધારે એરપોર્ટ પર ઉતરેલી ફ્લાઈટમાં જ્યારે સઘન તપાસ હાથ ધરવામાં આવી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ડ્રગ્સ પેડલરોએ નશીલા પદાર્થોને પકડાઈ ન જવાય તે માટે ફ્લાઈટની સીટ નંબર 28-A ના ફૂટરેસ્ટ એરિયામાં તથા સીટ નંબર 24-A, 24-B, 25-A અને 25-B ના પાછળના કુશનના ભાગે અત્યંત સાવધાનીપૂર્વક છુપાવ્યા હતા. કુલ 8.5 કિલો જેટલો ઉચ્ચ ગુણવત્તાનો હાઈબ્રિડ ગાંજો વેક્યુમ પેકિંગમાં મળી આવ્યો હતો.
આંતરરાજ્ય ગેંગના ચાર આરોપીઓ ઝડપાયા
આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ પેસેન્જર બનીને આ જથ્થો સુરત લાવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં પ્રવીણ કરમવીર, વિક્રમ ભૌકાલ અને પ્રદીપ (ત્રણેય હરિયાણાના રોહતક જિલ્લાના) તેમજ અંશુલ શિવકુમાર ગુપ્તા (ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લાનો) નો સમાવેશ થાય છે. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે આ જથ્થો વિદેશથી લાવી ભારતના વિવિધ શહેરોમાં સપ્લાય કરવાનો હતો.
NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ તેજ
કસ્ટમ વિભાગે તમામ આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેમની વિધિવત ધરપકડ કરી છે. આટલી મોટી માત્રામાં વિદેશી ગાંજો સુરત કોને પહોંચાડવાનો હતો અને આ નેટવર્કના મૂળ ક્યાં સુધી ફેલાયેલા છે તે જાણવા માટે એજન્સીઓ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સુરત એરપોર્ટ પર સોનાની તસ્કરી બાદ હવે નશીલા પદાર્થોની હેરાફેરીના કિસ્સા વધતા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
