<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

સુરત :દારૂના કેસમાં સજા પામેલ ઉમેદવારને ટિકિટ આપતા કોંગ્રેસમાં ભડકો:વોર્ડ નંબર 29 ના ઉમેદવાર વંદના સાળુંકેના ભૂતકાળનો ઘટસ્ફોટ

સોગંદનામામાં વર્ષ 2023 અને 2026 માં કોર્ટે ફટકારેલી સજાના ખુલાસાથી ખળભળાટ :દારૂબંધીના મુદ્દે સરકારને ઘેરતી કોંગ્રેસની બેવડી નીતિ પર ઉઠ્યા સવાલો

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે જ રાજકીય માહોલ ગરમાયો છે. ગુજરાતમાં દારૂબંધીના મુદ્દે અવારનવાર રાજ્ય સરકારને ભીંસમાં લેતી કોંગ્રેસ હવે પોતે જ પોતાના ઉમેદવારની પસંદગીને કારણે મુશ્કેલીમાં મુકાઈ છે. સુરત મનપાના વોર્ડ નંબર 29 માં કોંગ્રેસે જેમને મેદાનમાં ઉતાર્યા છે તે ઉમેદવાર વંદના સાળુંકેનો ગુનાહિત ઇતિહાસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

 

ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા સોગંદનામામાં વંદના સાળુંકેએ પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું કબૂલ્યું છે. વિગતો મુજબ, તેઓ પ્રોહિબિશન એટલે કે દારૂના કેસમાં સજા ભોગવી ચૂક્યા છે. આ આંકડાકીય વિગતો સામે આવતા જ વિરોધ પક્ષોએ કોંગ્રેસની નૈતિકતા સામે સવાલો ઉઠાવ્યા છે. વર્ષ 2023 અને વર્ષ 2026 માં નામદાર કોર્ટ દ્વારા તેમને દારૂના કેસમાં સજા ફટકારવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.

  • એક તરફ કોંગ્રેસ પક્ષ રાજ્યમાં લઠ્ઠાકાંડ અને દારૂના દૂષણ મુદ્દે 'ગાંધીના ગુજરાત' ની વાત કરી વિરોધ પ્રદર્શન કરે છે, ત્યારે બીજી તરફ દારૂના કેસમાં દોષિત ઠરેલા વ્યક્તિને ટિકિટ આપીને પક્ષે પોતાની બેવડી નીતિ છતી કરી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિક કાર્યકરોમાં પણ આ પસંદગીને લઈને છૂપો રોષ જોવા મળી રહ્યો છે. ચૂંટણીના મતદાન પહેલા જ ઉમેદવારની આ સજાનો ઘટસ્ફોટ થતા કોંગ્રેસ માટે ડેમેજ કંટ્રોલ કરવું મુશ્કેલ બની રહ્યું છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારને કારણે સમગ્ર શહેરમાં આ કિસ્સો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

(8:30 PM IST)