News of Monday, 25th May 2026
દક્ષિણ ગુજરાતના મધદરિયામાં પેટ્રોલિંગ માટે સુરત કસ્ટમને મળશે ₹10 કરોડની આધુનિક બોટ
રાત્રિ પેટ્રોલિંગ, GPS ટ્રેકિંગ, ટોયલેટ અને અધિકારીઓ માટે રહેવાની સુવિધાથી સજ્જ રહેશે નવી બોટ

સુરત : દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં વધી રહેલી ડિઝલ ચોરી, કોલસાની હેરાફેરી અને અન્ય સ્મગલિંગ પ્રવૃત્તિઓને રોકવા માટે સુરત કસ્ટમ વિભાગને ટૂંક સમયમાં અંદાજે ₹10 કરોડના ખર્ચે નવી આધુનિક પેટ્રોલિંગ બોટ આપવામાં આવનાર છે. આ બોટ ખાસ કરીને મધદરિયામાં રાત્રિ પેટ્રોલિંગ માટે ઉપયોગી સાબિત થશે.
માહિતી મુજબ, છેલ્લા બે વર્ષથી બિનકાર્યરત રહેલી કસ્ટમની જૂની બોટને તાજેતરમાં રિપેર કરી ફરી શરૂ કરવામાં આવી છે. જોકે હાલની બોટમાં ઘણી ટેક્નિકલ મર્યાદાઓ હોવાને કારણે મધદરિયામાં લાંબા અંતર સુધી પેટ્રોલિંગ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. ઉછળતા મોજાં દરમિયાન બોટને નુકસાન થવાનો ભય રહેતો હતો, જ્યારે રાત્રિના સમયે પૂરતી હેવી લાઇટની સુવિધા ન હોવાથી દરિયામાં પેટ્રોલિંગ કરવું લગભગ અશક્ય બનતું હતું.
નવી આધુનિક બોટમાં રાત્રિ પેટ્રોલિંગ માટે અત્યાધુનિક લાઇટિંગ સિસ્ટમ, GPS ટ્રેકિંગ અને નેવિગેશન સુવિધા ઉપલબ્ધ રહેશે. જેના કારણે બોટનું ચોક્કસ લોકેશન પણ જાણી શકાશે. ઉપરાંત બોટમાં ટોયલેટ, અધિકારીઓ માટે સૂવાની વ્યવસ્થા અને જમવાનું બનાવી શકાય તેવી સુવિધા પણ હશે, જેથી અધિકારીઓ સતત અનેક દિવસો સુધી દરિયામાં રહી કામગીરી કરી શકશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ચોમાસા પૂર્ણ થયા બાદ આ નવી બોટ સુરત કસ્ટમને સોંપાઈ શકે છે. ચોમાસા દરમિયાન દરિયામાં મૂવમેન્ટ ઓછી રહેતી હોવાથી હાલમાં તૈયારીઓ ચાલી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના મગદલ્લા પોર્ટ પર આયાતી કોલસાની આવક પણ આગામી ચાર મહિના માટે બંધ રહેવાની છે. કસ્ટમ અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલમાં કોલસાની હેરાફેરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે.
નવી બોટ મળ્યા બાદ દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં કસ્ટમનું પેટ્રોલિંગ વધુ મજબૂત બનશે અને સ્મગલિંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ લાવી શકાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
