News of Saturday, 26th September 2026
મકાન માલિક સુરત બેઠા બેઠા સીસીટીવીમાં લાઈવ જોતાં રહ્યા અને પાડોશીએ જેસીબી ફેરવી પાકી દીવાલ તોડી પાડી!
ગારિયાધારના માંડવી ગામે પ્લોટ ન વેચવાના મનદુઃખમાં કૌભાંડ: કબજો જમાવવા પાડોશીએ રાત્રિના સમયે જેસીબીથી તોડફોડ કરી, સુરતના વેપારીએ બે સામે નોંધાવી ફરિયાદ

ગારિયાધાર : જમીન અને મિલકત પચાવી પાડવા માટેની અવનવી તરકીબો અને વિવાદોના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, પરંતુ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાંથી એક ચોંકાવનારો અને અનોખો કિસ્સો સામે આવ્યો છે. માંડવી ગામે આવેલા પ્લોટનું વેચાણ ન કરવા દેવાના મનદુઃખમાં પાડોશીએ જમીનનો કબજો મેળવવાના ઈરાદે રાત્રિના સમયે જેસીબી મશીન ફેરવીને પાકી દીવાલ તોડી પાડી હતી. આ સમગ્ર ઘટના પ્લોટ માલિકે સુરત બેઠા બેઠા પોતાના મોબાઈલમાં સીસીટીવી કેમેરા દ્વારા લાઈવ જોઈ હતી!
ગારિયાધારના માંડવી ગામના મૂળ વતની અને હાલ સુરત રહેતા ફિરોજભાઈ કમલેશભાઈ પાલડીયા (ઉં.વ. ૩૮) માંડવી ગામતળમાં પ્લોટ નંબર ૪૨૨ ધરાવે છે. આ પ્લોટની બાજુમાં જ રહેતા કલ્યાણભાઈ કરમશીભાઈ બેલડીયા આ પ્લોટ ખરીદવા માંગતા હતા. જોકે, ફરિયાદી ફિરોજભાઈએ પ્લોટ વેચવાની સ્પષ્ટ ના પાડી દેતાં છેલ્લા એકાદ વર્ષથી તેમની વચ્ચે વિવાદ ચાલતો હતો અને પ્લોટ વેચી દેવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું.
લાઈવ સીસીટીવીમાં દેખાયો જેસીબીનો ખેલ
ગત ૨૨ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ રાત્રે આશરે સવા આઠ વાગ્યાના અરસામાં ફિરોજભાઈ સુરતમાં પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન તેમણે પોતાના માંડવી સ્થિત પ્લોટમાં લગાવેલા સીસીટીવી કેમેરાનું લાઈવ ફૂટેજ મોબાઈલમાં ચેક કર્યું હતું. જેમાં ગામના કલ્યાણભાઈ કરમશીભાઈ બેલડીયા અને ગોરખભાઈ નાનુભાઈ ડેર જેસીબી મશીન લઈને પ્લોટમાં ઘૂસ્યા હતા અને પ્લોટની ત્રણેય બાજુની પાકી દીવાલ તોડી પાડતા નજરે પડ્યા હતા. ગોરખભાઈ ડેરે અગાઉ ફિરોજભાઈને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી.
બે શખ્સો સામે ગારિયાધાર પોલીસ સ્ટેશને ફરિયાદ
ઘટના સમયે ફરિયાદી સુરત હોવાથી તેમજ અન્ય કારણોસર થોડો વિલંબ થયા બાદ, આખરે ફિરોજભાઈએ ગારિયાધાર પોલીસ સ્ટેશન પહોંચીને કલ્યાણભાઈ બેલડીયા અને ગોરખભાઈ ડેર વિરુદ્ધ સત્તાવાર લેખિત ફરિયાદ નોંધાવી છે. ગારિયાધાર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને એ.એસ.આઈ. ભીમભાઈ દેસાઈએ આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
