<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરના CCTV નેટવર્કને રેલવે સ્ટેશનો સાથે જોડવાની કવાયત : AI ટેક્નોલોજીથી ગુનેગારો પર રખાશે બાજ નજર

રાજ્યના પોલીસ વડા ડો. કે. એલ. રાવ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ કમિશનરનું સંકલન : ઉત્રાણ, ઉધના અને સચિન સહિતના સ્ટેશનોને 'ઓન-ડેશ કંટ્રોલ રૂમ' સાથે જોડી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુરક્ષિત સિટીના વિઝનને સાકાર કરાશે

સુરત:સ્માર્ટ સિટી સુરતને સુરક્ષાની દ્રષ્ટિએ વધુ આધુનિક બનાવવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. શહેરના ખૂણેખૂણાને સીસીટીવીથી સજ્જ કર્યા બાદ હવે સુરત શહેર પોલીસના સર્વેલન્સ નેટવર્કને રેલવેના નેટવર્ક સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીના માધ્યમથી જોડવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ગુનો કરીને રેલવે માર્ગે નાસી છૂટતા ગુનેગારોને ઝડપી પાડવાનો છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ વચ્ચે સંકલન:
આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે રાજ્યના પોલીસ વડા (ઇનચાર્જ) ડો. કે. એલ. રાવ સાથે બેઠકો અને સંકલન શરૂ કર્યું છે. ડો. કે. એલ. રાવ હાલ રેલવેમાં ડીજીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે, જેથી રેલવે અને શહેર પોલીસ વચ્ચે સીસીટીવી ડેટાના આદાનપ્રદાન અને ટેકનિકલ જોડાણ બાબતે આઈજી સ્તરના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી રહી છે.
મહત્વના રેલવે સ્ટેશનોને આવરી લેવાશે:
માત્ર સુરત મુખ્ય રેલવે સ્ટેશન જ નહીં, પરંતુ શહેરની આસપાસ આવેલા અને ગુનેગારો માટે સોફ્ટ ટાર્ગેટ ગણાતા ઉત્રાણ, ઉધના, ભેસ્તાન, સચિન અને સાયણ જેવા સ્ટેશનો પર પણ સીસીટીવી કેમેરા લગાવવા અને તેને શહેરના મુખ્ય સર્વેલન્સ નેટવર્ક સાથે જોડવા માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. આ સ્ટેશનો પરથી પસાર થતી દરેક ગતિવિધિ સીધી સુરત પોલીસના કંટ્રોલ રૂમમાં જોઈ શકાશે.
ઓન-ડેશ કંટ્રોલ રૂમની અસરકારકતા વધશે:
જો રેલવે સ્ટેશનોનું સીસીટીવી નેટવર્ક શહેરના અત્યાધુનિક “ઓન-ડેશ કંટ્રોલ રૂમ” સાથે સફળતાપૂર્વક જોડાઈ જશે, તો પોલીસને રિયલ-ટાઈમ લોકેશન અને શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલની તુરંત જાણકારી મળશે. એઆઈ ટેક્નોલોજીની મદદથી ફેસ રેકગ્નિશન જેવી સુવિધાઓ દ્વારા ગુનેગારોને ટ્રેસ કરવા પોલીસ માટે વધુ સરળ અને ઝડપી બનશે.
વડાપ્રધાનના વિઝનને વેગ:
પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ પ્રોજેક્ટ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુરક્ષિત અને સ્માર્ટ ભારતના વિઝનને ધ્યાનમાં રાખીને આ આયોજન કરવામાં આવ્યું છે. આધુનિક ટેક્નોલોજી અને સીસીટીવીના વ્યાપ દ્વારા માત્ર ગુનાખોરી પર અંકુશ જ નહીં, પરંતુ સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના પ્રબળ બનાવવી એ પોલીસની પ્રાથમિકતા છે. આગામી સમયમાં આ જોડાણથી સુરતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે.

 

(12:15 PM IST)