<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th May 2026

મહારાષ્ટ્રના પુણેમાં જવેલર્સમાં થયેલી 77 લાખથી વધુની ચોરીનો સુરત પોલીસે ભેદ ઉકેલ્યો : બે રીઢા આરોપીઓને અમરોલીથી ઝડપી લેવાયા

મુખ્ય આરોપી સુમિત બંગાળી સામે અગાઉ સુરતના અમરોલી, સરથાણા, કતારગામ, વરાછા તેમજ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ચોરી અને ઘરફોડ ચોરીના અંદાજે ૧૪ જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તેના સાથીદાર રાહુલ ગૌડ સામે પણ અગાઉ ૪ ગુનાઓ નોંધાયેલા

અમરોલી પોલીસ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મહારાષ્ટ્રમાં થયેલી એક બહુ મોટી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ચાકણ ઉત્તર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાંથી થયેલી ₹૭૭,૨૨,૦૦૦ની ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે રીઢા આરોપીઓને સુરતના અમરોલી વેણીનાથ ગરનાળા પાસેથી ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યા છે.

 

પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે ₹૯,૪૦,૫૮૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે ૨૩ એપ્રિલ ૨૦૨૬ના રોજ વહેલી સવારે ૪ વાગ્યાના અરસામાં તેમણે પુણે-ચાકણ વિસ્તારમાં આવેલી 'ક્ષમતા જ્વેલર્સ' નામની દુકાનનું શટર તોડીને સોના-ચાંદીના કિંમતી દાગીના તેમજ રોકડ રકમની મોટી ચોરી આચરી હતી. આ ગુનામાં મુખ્ય આરોપી સુમિત બંગાળી, રાહુલ ગૌડ, મુકેશ ઉર્ફે અજય સાલવી અને તેમના અન્ય ત્રણ મિત્રો સામેલ હતા.

 

પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ મોટો છે. મુખ્ય આરોપી સુમિત બંગાળી સામે અગાઉ સુરતના અમરોલી, સરથાણા, કતારગામ, વરાછા તેમજ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ચોરી અને ઘરફોડ ચોરીના અંદાજે ૧૪ જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે તેના સાથીદાર રાહુલ ગૌડ સામે પણ અગાઉ ૪ ગુનાઓ નોંધાયેલા છે. આ ટોળકી લાંબા સમયથી અલગ-અલગ રાજ્યોમાં ચોરીના ગુના આચરતી હતી. સુરત પોલીસે બાતમીદારોના નેટવર્ક અને આધુનિક સર્વેલન્સની મદદથી આ બંને આરોપીઓને દબોચી લીધા છે અને હાલ તેમની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ ઓપરેશનથી ગુજરાત અને મહારાષ્ટ્ર પોલીસ વચ્ચેના બહેતર સંકલનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પડ્યું છે અને સોની બજારના વેપારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

(4:59 PM IST)