News of Monday, 6th July 2026
સુરતમાં બપોર બાદ બે કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર : મહિધરપુરામાં કમર સુધી ભરાયા પાણી: રેલવે સ્ટેશન પરિસર પાણીમાં ગરકાવ
શહેરમાં કાળાડિબાંગ વાદળોના ગડગડાટ અને તીવ્ર વીજળીના કડાકા-ભડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો

સુરતમાં માત્ર બે કલાકમાં જ વરસેલા ચાર ઈંચ જેટલા અતિભારે વરસાદથી સમગ્ર સુરત શહેરમાં ચોમેર પાણી જ પાણી થઈ જવા પામ્યું હતું. સુરત વેડ રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે. સુરતના મહિધરપુરા વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાયા હતા. મહિધરપુરાના ગલે મંડી ચાર રસ્તા ખાતે ઘૂંટણથી કમર સુધીના ભરાયા પાણી. ગલે મંડી શેરી , મોટી શેરી , સહિત મુખ્ય રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળ્યું હતું. સુરત રેલવે સ્ટેશન પરિસર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું
હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની ચેતવણી સાથે 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. સાંજના સમયથી જ સમગ્ર શહેરમાં કાળાડિબાંગ વાદળોના ગડગડાટ અને તીવ્ર વીજળીના કડાકા-ભડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. માત્ર થોડા જ કલાકોમાં ખાબકેલા અનરાધાર વરસાદના કારણે સમગ્ર સુરત શહેર પાણી-પાણી થઈ ગયું છે. ખાસ કરીને શહેરના તમામ નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મોડી સાંજ સુધી અવિરત વરસી રહેલા આ ભારે વરસાદે સેંકડો પરિવારો અને વાહનચાલકોની ચિંતામાં ભારે વધારો કરી દીધો છે, જેના કારણે ઠેર-ઠેર ઈમરજન્સી જેવી સ્થિતિ સર્જાઈ છે.
(6:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
