<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

સુરતના યુવાનએ દાંતથી 8 કાર ખેંચીને અગાઉનો 5 કારનો રેકોર્ડ તોડી વિશ્વવિક્રમ સર્જ્યો :ગિનીસ બુક માટે દાવો કર્યો

વર્લ્ડ ડ્રગ્સ ડે નિમિત્તે સુરતના વાય જંક્શન ખાતે યુથ નેશન સંસ્થા દ્વારા નશામુક્તિ અભિયાન અંતર્ગત અનોખો કાર્યક્રમ યોજાયો

વિશ્વભરમાં જ્યારે 26 જૂનના રોજ 'વર્લ્ડ ડ્રગ્સ ડે' અથવા 'આંતરરાષ્ટ્રીય નશામુક્તિ દિવસ' મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે સુરતના વાય જંક્શન ચાર રસ્તા ખાતે 'યુથ નેશન' સંસ્થા દ્વારા યુવાનોમાં નશામુક્તિ પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક અનોખા અને ભવ્ય કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર ત્યારે બન્યો જ્યારે એક સુરતી યુવાને પોતાના અદભુત શારીરિક કૌશલ્યથી નવો વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો.

કાર્યક્રમ દરમિયાન સુરતના પરાક્રમી યુવાન રાકેશ સૈનીએ પોતાના મજબૂત દાંત વડે એક-બે નહીં પરંતુ લાઈનબદ્ધ ઉભેલી 8 કારને એકસાથે ખેંચીને નવો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. આ પરાક્રમ જોઈને ત્યાં હાજર સૌ કોઈ દંગ રહી ગયા હતા. રાકેશ સૈનીએ પોતાનો જ અગાઉનો 5 કાર ખેંચવાનો રેકોર્ડ તોડીને આ નવો ઈતિહાસ રચ્યો છે અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવવા માટે દાવો ઠોક્યો છે.

આ દેશભક્તિ અને સામાજિક જાગૃતિના અનોખા કાર્યક્રમમાં સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી, સુરત જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ વહીવટી અને પોલીસ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વાય જંક્શન ખાતે હાજર રહેલા સેંકડો યુવાનોને વ્યસનથી દૂર રહેવા અને સકારાત્મક જીવન જીવવા માટે નશામુક્તિના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

યુથ નેશન સંસ્થાના ફાઉન્ડર વિકાસ દોશીએ ડિજિટલ યુગમાં ભટકતા યુવાનોને નશાના દૂષણથી દૂર રહીને સકારાત્મક જીવનશૈલી અપનાવવા માટે હાર્દિક અપીલ કરી હતી. કાર્યક્રમને વધુ રસપ્રદ અને પ્રભાવી બનાવવા માટે દેશભક્તિના ગીતો સાથેનું મ્યુઝિકલ બેન્ડ અને ઉત્સાહવર્ધક ઝુંબા ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેના માધ્યમથી યુવાનોને નશા વિરુદ્ધ મજબૂત સંદેશો આપવામાં આવ્યો હતો.

(11:17 PM IST)