તા. ૧૫ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૬ રવિવાર
News of Sunday, 15th November 2026
સુરતની સચિન GIDC પોલીસ શ્રમિક પરિવારમાં મુસ્કાન લાવી : 261માંથી 260 ગુમ બાળકોને શોધી પરિવાર સાથે મિલાવ્યાં.
સુરત પોલીસના 'ઓપરેશન મુસ્કાન'ની ભારે પ્રશંસા : વોટ્સએપ ગ્રુપ અને લોકસંપર્ક નેટવર્કની મદદથી પોલીસની સરાહનીય કામગીરી.

સુરત શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં રોજીરોટી રળવા આવેલા હજારો શ્રમિક પરિવારો માટે ખાખી વર્દી આજે દેવદૂત સમાન બની છે. કારખાના અને મિલોમાં મજૂરી કામ કરતાં માતા-પિતા જ્યારે સાંજે ઘરે પરત ફરે ત્યારે તેમનું સંતાન ન મળે ત્યારે તેમના પર આભ તૂટી પડતું હોય છે. પરંતુ સચિન જીઆઈડીસી પોલીસે રડતાં રડતાં પોલીસ સ્ટેશને આવતા 260 શ્રમિક પરિવારોના આંસુ લૂંછીને તેમના ખોવાયેલા સંતાનો પરત હેમખેમ અપાવ્યા છે. જેથી સુરત પોલીસના 'ઓપરેશન મુસ્કાન'ની ભારે પ્રશંસા થઈ રહી છે.
સચિન પોલીસને ઘણીવાર 6થી 8 કલાક મોડી જાણ થતી હોવા છતાં સફળતાપૂર્વક 261માંથી 260 બાળકોને શોધી કાઢ્યા છે. પોલીસની આ મોટી સફળતા પાછળ લોકસંપર્ક નેટવર્કનું મોટું યોગદાન છે. સચિન પોલીસે વિસ્તારના રિક્ષાચાલકો, શાકભાજીની લારીવાળા, દુકાનદારો અને ગામના આગેવાનોના વોટ્સએપ ગ્રુપ બનાવીને તેમને આ કામગીરીમાં સાંકળી લીધા હતા. જ્યારે કોઈ શ્રમિક પરિવારનો બાળક ગુમ થાય તો પોલીસ દ્વારા તુરંત જ ફોટો ગ્રુપમાં મૂકાય જેથી આખઓ વિસ્તાર બાળકને શોધવામાં લાગી જાય. જોકે, બીજી તરફ ઘણી વાર વતન જતી ટ્રેનોમાં બાળક ચડી ન જાય તે સામે રેલ્વે પોલીસ પણ ખાસ અલર્ટ રહે છે .
સચિન GIDC પોલીસ સ્ટેશનના પીઆઈ કુલદીપસિંહ ગોહિલ પાસેથી મળતી વિગત અનુસાર, અંદાજે 20 કિમી સુધીના વિશાળ એરિયામાં ફેલાયેલા સચિન જીઆઈડીસી વિસ્તારમાં પતિ-પત્ની બંને નોકરી કરતા હોવાથી ઘણીવાર બાળકો એકલા રહે છે ઘણા બાળકો વતનમાં આવ્યા હોવાથી તેઓને દાદા-દાદીની યાદ ઘણી સતાવતી હોય છે. આથી માતા-પિતા દ્વારા અપાયેલા સામાન્ય ઠપકાથી માઠું લગાવીને અથવા રમતા રમતા રસ્તો ભટકી જવાથી ગુમ થઈ જતાં હોય છે. અહીં દર બે દિવસે એક બાળક ગુમ થઈ જવાનો રેશિયો છે.
બાળકો ઉપરાંત સચિન પોલીસે છેલ્લા 1 વર્ષમાં મોટું અભિયાન આદરીને 18 વર્ષથી વધુ ઉમરા 27 પુરુષ અને મહિલાઓને પણ શોધી કાઢ્યા છે. પોલીસની સત્તાવાર વિગત અનુસાર, 31 ડિસેમ્બર 2025 સુધીના એક વર્ષના ગાળામાં કુલ 68 મિસિંગ લોકોની શોધ કરવામાં આવી હતી. આ કામગીરીમાં સૌથી પડકારજનક ગણી શકાય તેવો કેસ 11-12 વર્ષની વૈષ્ણવીનો હતો. પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની 16 ટીમોએ તેને શોધી કાઢવા 300થી વધુ સીસીટીવી ખંગાળીને તેને શોધી કાઢી હતી.
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
