<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

સુરતના ઉત્રાણમાં દારૂના નશામાં ધૂત કાર ચાલકે ડિવાઈડર કૂદાવીને ઉભેલી બે કારને ટક્કર મારી: ગેરેજ સંચાલકનો બચાવ

અકસ્માત સર્જીને ભાગવા જઈ રહેલા સાગર તાળાને સ્થાનિક લોકોએ રંગેહાથે ઝડપી પાડીને ઉત્રાણ પોલીસના હવાલે કર્યો

સુરતના ઉત્રાણ વિસ્તારમાં એક નશાખોર કાર ચાલકે ભયાનક અકસ્માત સર્જીને આતંક મચાવ્યો હતો. લજામણી ચાર રસ્તા પાસે સન રાઈઝ કોમ્પ્લેક્સની પાછળ દારૂના નશામાં ધૂત ચાલકે ડિવાઈડર કૂદાવીને ઉભેલી બે કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે કારના કચ્ચરઘાણ નીકળી ગયા છે અને અંદાજે રૂ. 70,000 થી વધુનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

નશામાં ધૂત કાર ચાલક સાગર જયંતિ તાળાએ બેફામ રીતે કાર હંકારીને અકસ્માત સર્જ્યો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બંધ પડેલી ગ્રાન્ડ આઈ-10 અને આગળ ઉભેલી બ્રેઝા કારના કુચ્ચેકુચ્ચા ઉડી ગયા હતા. સદનસીબે ત્યાં હાજર ગેરેજ સંચાલકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત સર્જીને ભાગવા જઈ રહેલા સાગર તાળાને સ્થાનિક લોકોએ રંગેહાથે ઝડપી પાડીને ઉત્રાણ પોલીસના હવાલે કર્યો હતો.

પોલીસે જ્યારે ઘટનાસ્થળે તપાસ કરી ત્યારે આરોપીની કારમાંથી કાચના ગ્લાસ મળી આવ્યા હતા, જે તે નશામાં હોવાની પુષ્ટિ કરે છે. એટલું જ નહીં, આરોપીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે તોતળાતી જીભે બોલતો નજરે પડે છે. હાલમાં ઉત્રાણ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:49 PM IST)