News of Wednesday, 15th July 2026
વડોદરાના GSFC બ્રિજ પરથી રણોલીના એક યુવકનું નીચે પટકાતા શંકાસ્પદ મોત:એક્ટિવા હેમખેમ મળ્યું : સોનુ ગાયબ :લૂંટનો આક્ષેપ
બ્રિજ પરથી એક્ટિવા હેમખેમ મળ્યું પરંતુ યુવકના સોનાના દાગીના ગાયબ થતાં પરિવારે લૂંટ અને હત્યાનો આક્ષેપ કર્યો:છાણી પોલીસે સીસીટીવી અને કોલ ડિટેઈલ્સના આધારે આ મામલે સઘન તપાસ શરૂ કરી

વડોદરા શહેરમાં આવેલી જાણીતી કંપની GSFCના બ્રિજ પરથી એક યુવક નીચે પટકાતા તેનું કરૂણ મોત નીપજ્યું છે. રણોલી ગામના આ યુવકના રહસ્યમય અને શંકાસ્પદ મોતને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને જોતાં છાણી પોલીસ સ્ટેશનની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને અકસ્માત અને હત્યા બંને દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ સમગ્ર મામલામાં ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે મૃતકના પરિવારે આ ઘટના પાછળ લૂંટારુઓનો હાથ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો. પરિવારના જણાવ્યા અનુસાર, યુવકના શરીર પરથી સોનાના કિંમતી દાગીના ગાયબ છે. આશ્ચર્યની વાત એ છે કે બ્રિજ પરથી યુવકનું એક્ટિવા સ્કૂટર અને તેની ચાવી બંને સંપૂર્ણપણે હેમખેમ મળી આવ્યા છે. વાહનને કોઈ નુકસાન ન થયું હોવા છતાં યુવક નીચે પટકાતા અને દાગીના ગાયબ હોવાથી પરિવારનો દાવો છે કે લૂંટારુઓએ લૂંટના ઈરાદે યુવકની હત્યા કરીને તેને બ્રિજ નીચે ફેંકી દીધો છે.
ઘટનાની જાણ થતાં જ છાણી પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસે ગુના વાળી જગ્યાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું છે. આ કેસનો ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા બ્રિજ અને તેની આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સાથે જ, મૃતક યુવકના મોબાઈલ ફોનની કોલ ડિટેઈલ રેકોર્ડ પણ તપાસવામાં આવી રહી છે, જેથી ઘટનાના અંતિમ સમયમાં તે કોના સંપર્કમાં હતો તેની ચોક્કસ માહિતી મળી શકે
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
