<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

જખૌ નજીક આવેલા લુણા ટાપુ પરથી ડ્રોનની પાંખ જેવો શંકાસ્પદ ભાગ મળ્યો : સીમા સુરક્ષા એજન્સી એક્શનમાં :તપાસનો ધમધમાટ

જખૌ મરીન અને SOGની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળી પાંખ :સફેદ રંગની પાંખ આશરે 7 ફૂટ લાંબી અને દોઢ ફૂટ પહોળી

ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના દરિયાકાંઠે ફરી એકવાર શંકાસ્પદ વસ્તુ મળી આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે. જખૌ નજીક આવેલા લુણા ટાપુ પરથી ડ્રોનની પાંખ જેવો એક શંકાસ્પદ ભાગ મળી આવતા સીમા સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

 

મળતી માહિતી મુજબ, જખૌ મરીન પોલીસ અને એસ.ઓ.જી.ની ટીમ જ્યારે લુણા ટાપુ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે તેમની નજર દરિયાકાંઠે પડેલી એક સફેદ રંગની વસ્તુ પર પડી હતી. નજીક જઈને તપાસ કરતા તે કોઈ મોટા ડ્રોનની પાંખ હોવાનું જણાયું હતું. આ પાંખ આશરે 7 ફૂટ લાંબી અને દોઢ ફૂટ જેટલી પહોળી છે

આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાની નજીક આવેલા આ વિસ્તારમાંથી ડ્રોનનો ભાગ મળી આવવો એ સુરક્ષાની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ બાબત માનવામાં આવે છે. આ ઘટનાને પગલે સીમા સુરક્ષા દળ , કોસ્ટ ગાર્ડ અને અન્ય ગુપ્તચર એજન્સીઓ સતર્ક બની છે. આ ભાગ ક્યાંથી આવ્યો અને કયા પ્રકારના ડ્રોનનો છે તે જાણવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પાંખ કોઈ જાસૂસી ડ્રોનનો ભાગ છે કે કેમ તે ચકાસવા માટે તેને તાત્કાલિક અસરથી નલિયા એરફોર્સ સ્ટેશન ખાતે મોકલી આપવામાં આવી છે. એરફોર્સના ટેકનિકલ નિષ્ણાતો આ પાંખનું પરીક્ષણ કરશે. બીજી તરફ, કોઈ અણછાજતી પ્રવૃત્તિ કે અન્ય શંકાસ્પદ વસ્તુઓ માટે સુરક્ષા એજન્સીઓએ સમગ્ર ટાપુ અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન તેજ કરી દીધું છે.

(6:33 PM IST)