તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Tuesday, 14th April 2026
પાટણના સમી તાલુકાના દુદાખા ગ્રામ પંચાયતના તલાટી હમીરભાઈ રાયસંગભાઈ ઠાકોર માટીના ઠરાવ પેટે 70 હજારની લાંચ લેતા એસીબી અધિકારી ડી.આર.ગઢવીના હાથે આબાદ ઝડપાયા
ભુજ એસીબી મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના સુપર વિઝન અને રાજકોટ એસીબી ઇન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ શંખેશ્વરના રાધે શોપિંગ આર્કેડમાં એસીબીએ સફળ ટ્રેપ કરી ભ્રષ્ટ તલાટીને દબોચી લીધો

પાટણ:પાટણ જિલ્લાના સમી તાલુકાની દુદાખા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા વર્ગ-3 ના તલાટી કમ મંત્રી હમીરભાઈ રાયસંગભાઈ ઠાકોરને એસીબીની ટીમે 70 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ સમગ્ર કામગીરી પાટણ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર.ગઢવી અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવી છે.
સમાચારની વિગતો મુજબ, આ કામના ફરિયાદી કોન્ટ્રાક્ટનો વ્યવસાય કરે છે. તેમને પોતાના કામ અર્થે પૂરણ કરવા માટે માટીની જરૂરિયાત ઊભી થઈ હતી. માટી મેળવવા માટે તળાવમાંથી પરવાનગી લેવા અને પંચાયતનો ઠરાવ કરાવવા માટે ફરિયાદીએ દુદાખા ગ્રામ પંચાયતના તલાટી હમીરભાઈ રાયસંગભાઈ ઠાકોરનો સંપર્ક કર્યો હતો. તલાટીએ પંચાયતમાં ઠરાવ કરી આપવા અને માટી લઈ જવાની પરવાનગી આપવાની અવેજીમાં ફરિયાદી પાસે 70,000 રૂપિયાની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.
ભ્રષ્ટ તલાટીને લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી જાગૃત ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું. તારીખ 14/04/2026 ના રોજ શંખેશ્વર ખાતે આવેલા રાધે શોપિંગ આર્કેડમાં લાંચની રકમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. છટકા દરમિયાન આરોપી તલાટી હમીરભાઈ ઠાકોરે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના 70,000 રૂપિયા સ્વીકાર્યા હતા. નાણાં સ્વીકારતાની સાથે જ પૂર્વ આયોજિત પ્લાન મુજબ એસીબીની ટીમે તલાટીને સ્થળ પર જ દબોચી લીધો હતો અને લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી હતી.
આ સફળ ટ્રેપની કામગીરી બોર્ડર એસીબી એકમ ભુજના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના સુપર વિઝન હેઠળ અને એસીબી રાજકોટ એકમના ઇન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના સીધા માર્ગદર્શનમાં કરવામાં આવી હતી. એસીબીએ ભ્રષ્ટ કર્મચારી સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાટણ પંથકમાં સરકારી બાબુ લાંચ લેતા ઝડપાતા અન્ય ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
