News of Friday, 17th April 2026
ટીમ ભાજપા લોકોના સુખ-દુખમાં સાથે ઉભી રહેવા અને સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધ: હર્ષભાઈ સંઘવી
ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓને જનતાએ સબક શીખવવાનું નક્કી કરી લીધું છે :સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા અને ચોટીલા ખાતે ભાજપા ઉમેદવારોના સમર્થનમાં ચુંટણીસભાઓ ગજવતાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા અને ચોટીલા ખાતે યોજાયેલી વિકાસ સંકલ્પ સભાઓમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ ચૂંટણી માત્ર સત્તા માટેની નહિ વિકાસની ગતિને વધુ ઝડપથી આગળ વધારવા માટેની છે. વડિલોએ કોંગ્રેસના શાસનની પરિસ્થિતિનો અનુભવ કર્યો છે, તે પીડા અને વિકાસના અભાવની સાક્ષી રહ્યા છે. યુવા પેઢીને ઇતિહાસથી માહિતગાર કરવા તેમણે વડીલોને અપીલ કરી હતી.
તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં ભાજપા સરકાર આવ્યા પછી જ વિકાસના કાર્યો ગતિમાન બન્યા. મજબૂત નેતૃત્વ અને ટીમ વર્કના કારણે ગામડાઓ સુધી માળખાકીય સુવિધાઓ પહોંચાડવામાં ભાજપાને સફળતા મળી છે. ભાજપાએ એવી ટીમ આપી છે, જે લોકોના સુખ-દુખમાં સાથે ઉભી રહે છે અને સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધ છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, તેઓ જ્ઞાતિ-જાતિના મુદ્દાઓ ઊભા કરીને લોકોની લાગણીઓ સાથે ખિલવાડ કરે છે. ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓને જનતાએ સબક શીખવવાનું નક્કી કરી લીધું છે. કોંગ્રેસ અને અન્ય પક્ષો પાસે પૂરતા ઉમેદવાર પણ મળ્યા નથી. ભાજપા ૭૦૦ થી વધુ બેઠકો પર બિનહરીફ વિજયી બની છે. કોંગ્રેસના સમયમાં સાંજ પછી દીકરીઓ ઘરની બહાર જવા ડરતી હતી, જ્યારે આજે દીકરીઓ નિર્ભયતાથી ફરી શકે છે આ બદલાવ ભાજપા સરકારની મજબૂત નીતિઓનું પરિણામ છે.
તેમણે ખેડૂત, યુવાઓ, મહિલાઓ માટે કાર્યરત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની ભાજપાની કેન્દ્ર સરકાર તેમજ ભુપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળની રાજ્ય સરકારની યોજનાઓ વિષે તેમજ સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુવિધા માટેના ભાજપા સરકારમાં થયેલા મહત્વપૂર્ણ કાર્યો અંગે તેઓએ માહિતી આપી હતી અને ભાજપાના ઉમેદવારોના પ્રચંડ વિજયનો આત્મવિશ્વાસ વ્યકત કર્યો હતો. તેમણે ચોટીલા ખાતે ભાજપાના ચુંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્દઘાટન પણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપા પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા, રાજ્ય સરકારના પુર્વ મંત્રી કિરિટસિંહ રાણા, ધારાસભ્યઓ, જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, આગેવાનો, અગ્રણીઓ તથા કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યાં હતાં.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
