News of Thursday, 12th November 2026
માઉન્ટ આબુથી પરત ફરતા રાજકોટના પરિવારની ટેમ્પો ટ્રાવેલર અંબાજી પાસે ખીણમાં ખાબકી: 9 લોકો ઘાયલ
ટેમ્પો ટ્રાવેલરમાં કુલ 17 જેટલા પરિવારજનો સવાર હતા. અકસ્માતને પગલે એક નાની બાળકી સહિત કુલ 9 જેટલા પ્રવાસીઓ ગંભીર રીતે ઘાયલ થયા

અંબાજી પંથકમાંથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. રાજકોટથી માઉન્ટ આબુ ખાતે ફરવા માટે આવેલા એક પરિવારની ટેમ્પો ટ્રાવેલર અંબાજી પરત ફરતી વખતે કે રાજકોટ પરત જઈ રહી હતી તે દરમિયાન અચાનક અનિયંત્રિત થઈ ગઈ હતી. માઉન્ટ રોડ પર સ્થિત તળેટીથી આગળ શનિદેવ મંદિર પાસે આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી, જ્યાં વાહન કાબૂ બહાર જઈને સીધું ખીણમાં પલટી ખાઈ ગયું હતું.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ, આ ટેમ્પો ટ્રાવેલરમાં કુલ 17 જેટલા પરિવારજનો સવાર હતા. અકસ્માતને પગલે એક નાની બાળકી સહિત કુલ 9 જેટલા પ્રવાસીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક સ્તરે માનવતા દાખવીને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
અકસ્માતના આ બનાવની જાણ થતાં જ સ્થાનિક ટેક્સી યુનિયનના હોદ્દેદારો, ડ્રાઇવરો તેમજ સદર પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. આ ઉપરાંત દેલદર તાલુકા સહિતના વહીવટી અધિકારીઓ પણ કાફલા સાથે પહોંચી ગયા હતા. ઈજાગ્રસ્ત થયેલા તમામ મુસાફરોને તાત્કાલિક ધોરણે તળેટી સ્થિત ટ્રોમા સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રાહતની વાત એ રહી કે આટલી મોટી દુર્ઘટના સર્જાવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જેના કારણે તંત્ર અને પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
