<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં રસ્તાઓની ભયંકર ખરાબ હાલત :એક પરિવારની અંતિમયાત્રા પણ કાદવમાંથી કાઢવી પડી

નગરપાલિકાની આ ઘોર બેદરકારી સામે સ્થાનિક મહિલાઓએ ભારે આક્રોશ વ્યક્ત કરતા ચીમકી આપી :પાલિકા કચેરીનો ઘેરાવ કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં નગરપાલિકાની કામગીરી સામે લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. સ્માર્ટ સિટીની વાતો વચ્ચે અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં રસ્તાઓની એટલી બદતર હાલત છે કે સ્થાનિકોને અંતિમયાત્રા પણ કાદવ-કીચડમાંથી કાઢવાનો વારો આવ્યો છે. આ હૃદયદ્રાવક અને શરમજનક દ્રશ્યોએ પાલિકાની ઘોર બેદરકારી છતી કરી છે.

સુરતી ભાગોળ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રસ્તાઓ પર કાદવ અને ગંદા પાણીનો ભરાવો કાયમી સમસ્યા બની ગયો છે. સામાન્ય દિવસોમાં પણ અહીંથી પસાર થવું મુશ્કેલ હોય છે, ત્યારે તાજેતરમાં એક પરિવારની અંતિમયાત્રા આ કીચડમાંથી જ પસાર કરવી પડી હતી. મરણ પામેલ વ્યક્તિની નનામી પણ ગંદા પાણીમાં પગ મૂકીને લઈ જવી પડી તે દ્રશ્ય જોઈને સ્થાનિકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો.

વારંવારની રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતા વિસ્તારની મહિલાઓએ ખુલ્લેઆમ રોષ ઠાલવ્યો છે. મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે, "ચૂંટણી સમયે મત લેવા આવતા નેતાઓ અત્યારે દેખાતા નથી. અમારી સમસ્યાઓ ઉકેલવામાં પાલિકા તદ્દન નિષ્ફળ રહી છે." એટલું જ નહીં, રોષે ભરાયેલી મહિલાઓએ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખને સીધી ચીમકી આપતા કહ્યું છે કે, "અમે જો ગુસ્સે ભરાશું તો પ્રમુખને ભાગવાનો વારો આવશે!"

સ્થાનિકોની માંગ છે કે સત્વરે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે, અન્યથા પાલિકા કચેરીનો ઘેરાવ કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

(12:24 AM IST)