તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Thursday, 21st May 2026
મહેસાણા જિલ્લાના મરેડા ગામમાં પ્રદૂષણની ગંભીર સમસ્યાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ
સ્થાનિક લોકોએ તલાટીથી લઈને મુખ્યમંત્રી સુધી વારંવાર રજૂઆતો કરી છતાં કોઈ નક્કર પગલાં નહિ લેવાતા ગ્રામજનો હવે આકરા પાણીએ

મહેસાણા જિલ્લાના મરેડા ગામમાં પ્રદૂષણની ગંભીર સમસ્યાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર વર્ષથી આ વિસ્તારની હવા એટલી હદે દૂષિત થઈ ગઈ છે કે લોકોનું સામાન્ય જીવન દોહ્યલું બન્યું છે. સ્થાનિક લોકોએ તલાટીથી લઈને મુખ્યમંત્રી સુધી વારંવાર રજૂઆતો કરી હોવા છતાં, સત્તાધીશો દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેના પરિણામે ગ્રામજનોએ હવે આકરા પાણીએ થઈને વહીવટી તંત્ર સામે બાંયો ચડાવી છે.
સ્થાનિક રહેવાસી ગીતાબેન ચૌધરીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પ્રદૂષણને કારણે ગામમાં મહિલાઓ અને બાળકો ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ, ઝાડા-ઉલટી જેવી સમસ્યાઓ સતત રહે છે, જ્યારે પશુ-પક્ષીઓ પણ આ પ્રદૂષણનો શિકાર બની રહ્યાં છે. GPCBના અધિકારીઓ પર ફેક્ટરી સંચાલકો સાથે મળીભગત હોવાના આક્ષેપો કરતાં સ્થાનિકોએ તંત્રને સીધો પડકાર ફેંક્યો છે કે જો સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો ગ્રામજનો ગાંધીનગર સ્થળાંતર કરશે અથવા તો આત્મવિલોપનની મંજૂરી આપશે.
આ મામલો હવે ગંભીર વળાંક લઈ રહ્યો છે, કારણ કે ગ્રામજનોનું માનવું છે કે શુદ્ધ હવામાં જીવવાનો તેમનો મૂળભૂત અધિકાર છીનવાઈ રહ્યો છે. સ્થાનિકોએ વહીવટી તંત્રને ખુલ્લો પડકાર આપતા કહ્યું છે કે જો અધિકારીઓ એક દિવસ આ પ્રદૂષિત વાતાવરણમાં વિતાવે તો તેમને વાસ્તવિક પરિસ્થિતિનો અંદાજ આવશે. હાલમાં મહેસાણાના મરેડા અને આસપાસના ગામોમાં પ્રદૂષણ વિરોધી આ આંદોલન સરકાર માટે માથાનો દુખાવો બની ગયું છે. કલેક્ટર કચેરીમાં પહોંચેલી મહિલાઓની આ માંગ હવે જોવાની રહી કે તંત્ર દ્વારા પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવે છે.
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
