News of Wednesday, 29th July 2026
એર ઈન્ડિયાના વિમાનની ફ્યુઅલ સ્વીચમાં કોઈ જ ખામી નહોતી:અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે રાજ્યસભામાં સરકારની મહત્વની સ્પષ્ટતા
તપાસમાં ફ્યુઅલ સ્વીચના લોકિંગ ડેટન્ટ્સની સ્ટ્રક્ચરલ ઇન્ટિગ્રિટી પણ સંપૂર્ણપણે સુરક્ષિત અને યોગ્ય હોવાનું માલૂમ પડ્યું

અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે રાજ્યસભામાં કેન્દ્ર સરકારે મહત્વની માહિતી આપતા સ્પષ્ટતા કરી છે કે, એર ઈન્ડિયાના વિમાનની ફ્યુઅલ સ્વીચમાં કોઈ જ ખામી નહોતી. રાજ્યસભામાં સરકારે આ દુર્ઘટના અંગેની તપાસની સ્થિતિ રજૂ કરી હતી. કોંગ્રેસના સાંસદ જે.બી. મેથેર દ્વારા પૂછવામાં આવેલા સવાલના લેખિત જવાબમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે આ વિગતો દેશ સમક્ષ મૂક્યા હતા.
સરકારે ગૃહમાં માહિતી આપતા જણાવ્યું હતું કે એર ઈન્ડિયાના બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાનના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી, જેમાં તેની અંદર કોઈ પણ પ્રકારની ટેકનિકલ ખામી હોવાનું જણાયું નથી. આ સાથે જ તપાસમાં ફ્યુઅલ સ્વીચના લોકિંગ ડેટન્ટ્સની સ્ટ્રક્ચરલ ઇન્ટિગ્રિટી પણ સંપૂર્ણપણે સુરક્ષિત અને યોગ્ય હોવાનું માલૂમ પડ્યું છે. આ સમગ્ર બાબતથી વિમાનની સુરક્ષા પ્રત્યેના અનેક સવાલોના જવાબ મળ્યા છે.
વધુમાં સરકારે જણાવ્યું હતું કે આ ગંભીર દુર્ઘટનાના કારણો શોધવા માટે વિમાનના થ્રસ્ટ કંટ્રોલ મોડ્યુલની અત્યાધુનિક તપાસ હાલ અમેરિકાના સિએટલ સ્થિત મૂળ ઉત્પાદક એટલે કે ઓઈએમ સુવિધા કેન્દ્ર ખાતે અત્યંત કાળજીપૂર્વક ચાલી રહી છે. આ વૈજ્ઞાનિક તપાસ પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી.
અધિકારીઓનું માનવું છે કે, જ્યાં સુધી આખી તપાસ પ્રક્રિયા પૂરી નહીં થાય અને અંતિમ રિપોર્ટ સત્તાવાર રીતે બહાર નહીં આવે, ત્યાં સુધી આ દુર્ઘટના પાછળનું ચોક્કસ અને આખરી કારણ કહી શકાશે નહીં. સરકાર આ મામલે ખૂબ જ ગંભીરતાથી નજર રાખી રહી છે અને તમામ પાસાઓની વૈજ્ઞાનિક ઢંગે ચકાસણી કરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટના ન સર્જાય...
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
