<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થયો નહીં : દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાવાની આગાહી

અમદાવાદ સહિત રાજ્યના 11 શહેરોમાં ગરમીનો પારો 41થી 44 ડિગ્રી સુધી નોંધાયો: 44.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર:અમદાવાદમાં મહત્તમ તાપમાન 43.1 ડિગ્રી

અમદાવાદ :ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલ માટે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાવાની આગાહી કરી છે ત્યારે આજે અમદાવાદ સહિત રાજ્યના 11 શહેરોમાં ગરમીનો પારો 41થી 44 ડિગ્રી સુધી નોંધાયો છે. 44.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 43.1 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29.4 ડિગ્રી નોંધાયું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી બે દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. જોકે પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહી શકે છે. બે દિવસ બાદ રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. આ ઉપરાંત હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાશે અને ભેજયુક્ત હવામાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.

રાજ્યમાં નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં 44.5 ડિગ્રી, રાજકોટમાં 43.5, અમરેલીમાં 43.3, અમદાવાદમાં 43.1, ગાંધીનગરમાં 43, વડોદરામાં 42.6, ભુજમાં 42.6, વલ્લભ વિદ્યાનગરમાં 42.5, ડીસામાં 42.3, સુરમતાં 41.9, ભાવનગરમાં 41.2, મહુવામાં 39, કેશોદમાં 39, કંડલા પોર્ટમાં 38.4, નલિયામાં 35.5, પોરબંદરમાં 35.4, ઓખામાં 35, દ્વારકામાં 32.4 અને વેરાવળમાં 32.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ઉલ્લેખનીય છેકે, રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 2થી 6 ડિગ્રી સુધી વધુ નોંધાયું છે. જેમાં સુરતમાં 6.2 ડિગ્રી, ડીસામાં 5.8 ડિગ્રી અને ભુજમાં 3.4 ડિગ્રી તાપમાન સામાન્ય કરતા વધુ નોંધાતા આકરી ગરમી અનુભવાઇ છે.

રાજ્યમાં વિવિધ શહેરોમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો વડોદરામાં 29.6 ડિગ્રી, અમદાવાદમાં 29.4, ભાવનગરમાં 29.3, ગાંધીનગરમાં 29, ડીસામાં 28.4, સુરતમાં 28.4, સુરેન્દ્રનગરમાં 27.7, દ્વારકામાં 27.3, વલ્લભ વિદ્યાનગરમાં 27.2, વેરાવળમાં 27.2, ઓખામાં 26.5, કેશોદમાં 26.1, નલિયામાં 26.1, મહુવામાં 25.9, કંડલા પોર્ટમાં 25.8, અમરેલીમાં 25.6, ભુજમાં 25.4, રાજકોટમાં 25.2, પોરબંદરમાં 25 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

(8:38 PM IST)