<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

અમદાવાદની સ્પીપા સંસ્થા ખાતે સરદાર પટેલ સુશાસન મુખ્યમંત્રી ફેલોશિપ કાર્યક્રમની ત્રીજી બેચના ઇન્ડક્શન અને તાલીમ સત્રનો ભવ્ય પ્રારંભ

ભૂતપૂર્વ મુખ્ય સચિવ પી. કે. લહેરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં યુવા ફેલોઝને સુશાસન, પારદર્શિતા અને જનકેન્દ્રિત અભિગમ અપનાવવા આહવાન કરાયું : નવી બેચમાં ૧૫ નવા ફેલોઝની પસંદગી, IIMA ના સહયોગથી અપાશે વિશેષ તાલીમ

અમદાવાદ, તા.૨૦ જુલાઈ:સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA), અમદાવાદ ખાતે ‘સરદાર પટેલ સુશાસન મુખ્યમંત્રી ફેલોશિપ કાર્યક્રમ (૨૦૨૬–૨૭)’ ના ત્રીજા બેચના ઇન્ડક્શન અને તાલીમ કાર્યક્રમનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સમગ્ર આયોજન સ્પીપાના મહાનિદેશક હારીત શુક્લા, IAS ના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું છે. આ ફેલોશિપ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના પ્રતિભાશાળી યુવા વ્યાવસાયિકોની ક્ષમતા અને નિપુણતાનો રાજ્યના વિકાસ કાર્યોમાં મહત્તમ ઉપયોગ કરી ગુજરાતના વહીવટી સુશાસનને વધુ મજબૂત બનાવવાનો છે.

 

આ પ્રેરણાદાયી કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત સરકારના ભૂતપૂર્વ મુખ્ય સચિવ પી. કે. લહેરી, IAS (Retd.) મુખ્ય અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. આ ગૌરવપૂર્ણ અવસરે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA) ના નાયબ મહાનિર્દેશક ચંદ્રેશ કોટક, ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રીના ખાસ ફરજ પરના અધિકારી રાકેશ વ્યાસ, IAS, વહીવટી સુધારણા અને તાલીમ વિભાગના નાયબ સચિવ ડો. જયશંકર ઓધવાણી તેમજ સંયુક્ત સચિવ અને નોલેજ મેનેજર શ્રીમતી ઋતા ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને યુવા હોદ્દેદારોનો ઉત્સાહ વધાર્યો હતો.

 

કાર્યક્રમના પ્રથમ ચરણમાં તમામ સી.એમ. ફેલોને મુખ્યમંત્રી ફેલોશિપ કાર્યક્રમના મૂળભૂત હેતુઓ, કાર્યશૈલી અને વહીવટી તંત્રમાં તેના મહત્વ વિશે વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી. ત્યારબાદ અધ્યક્ષસ્થાનેથી પી. કે. લહેરી, IAS (Retd.) એ પોતાના પ્રેરણાદાયી ઉદબોધનમાં જણાવ્યું હતું કે, તમામ સી.એમ. ફેલોએ વહીવટમાં પ્રામાણિકતા, નવીનતા, તટસ્થતા અને જનકેન્દ્રિત અભિગમ જેવા સુશાસનના મૂલ્યોને આત્મસાત કરવા જોઈએ. તેમણે જાહેર જીવનમાં શ્રેષ્ઠ યોગદાન આપી વહીવટી પ્રક્રિયાને વધુ લોકાભિમુખ બનાવવા યુવાનોને પ્રેરિત કર્યા હતા.

 

ઉદઘાટન સત્રની પૂર્ણાહૂતિ બાદ તાલીમ કાર્યક્રમના પ્રથમ દિવસે "Essence of Good Governance (સુશાસનનું સારતત્વ)" વિષય પર એક વિશેષ વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે પી. કે. લહેરી વહીવટી અનુભવોના આધારે નૈતિક નેતૃત્વ, પારદર્શિતા, વહીવટી જવાબદારી અને અસરકારક જાહેર વહીવટના વિવિધ પાસાઓ અંગે ફેલોઝને ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

વર્ષ ૨૦૨૬–૨૭ના આ શૈક્ષણિક વર્ષના બેચમાં કુલ ૧૫ નવા પ્રગતિશીલ મુખ્યમંત્રી ફેલોઝની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત, અગાઉના વર્ષના ચાલુ પ્રોજેક્ટ્સમાં સાતત્યતા અને ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી જૂની બેચના ૮ ફેલોઝને આ કાર્યક્રમમાં યથાવત્ રાખવામાં આવ્યા છે. આ તમામ ૨૩ યુવા ફેલોઝ રાજ્ય સરકારના જુદા-જુદા મહત્વના વિભાગો સાથે જોડાઈને નીતિ સંશોધન, સુશાસન, ટેક્નોલોજીકલ નવીનતા અને જનકલ્યાણની વિકાસલક્ષી પહેલોમાં પોતાનું સક્રિય અને બૌદ્ધિક યોગદાન આપશે.

 

સ્પીપા ખાતે યોજાનારા આ પ્રાથમિક ઇન્ડક્શન કાર્યક્રમની પૂર્ણાહૂતિ થયા બાદ, તમામ ફેલોઝ માટે કાર્યક્રમના સત્તાવાર નોલેજ પાર્ટનર તરીકે નિયુક્ત થયેલી દેશની સર્વોચ્ચ સંસ્થા ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ (IIMA)’ ના પ્રત્યક્ષ સહયોગથી વિશેષ ક્ષમતા નિર્માણ અને નેતૃત્વ વિકાસ તાલીમનું હાઈ-પ્રોફાઈલ આયોજન કરવામાં આવશે. ગુજરાત સરકારની આ મહત્વપૂર્ણ પહેલ ભવિષ્યમાં વિકસિત ગુજરાત અને વિકસિત ભારત @૨૦૪૭ના વ્યાપક વિઝનને સાકાર કરવામાં ગાઉન્ડ લેવલ પર એક નવો સીમાચિહ્ન સાબિત થશે.

(5:29 PM IST)