<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

સુરતમાં ભેદવાડ ખાડીએ ડેન્જર લેવલ વટાવતા ગંભીર પુરનો ખતરો વધ્યો : ઇન્ડિયન આર્મીની 2 ટીમો રેસ્ક્યુ વાહનો અને બોટ સાથે સુરતમાં પહોંચી

આર્મીની ટીમોને પ્રાથમિક તબક્કે લીંબાયત વિસ્તારમાં તૈનાત :લીંબાયત ઉપરાંત ખાડી કાંઠાના અને નીચાણવાળા અન્ય વિસ્તારોમાં પરિસ્થિતિ ગંભીર બનશે તો ત્યાં પણ આર્મીની ટીમોને તાત્કાલિક મોકલવામાં આવશે

સુરતમાં વરસાદનું જોર ફરી વધતાં અને ભેદવાડ ખાડીએ ડેન્જર લેવલ વટાવી દેતાં શહેરમાં પૂરનો ખતરો વધુ ગંભીર બન્યો છે. હવામાન વિભાગના રેડ ઍલર્ટ વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસવાની આશંકાને પગલે સમગ્ર વહીવટી તંત્ર હાઇ ઍલર્ટ પર મૂકાયું છે. સંભવિત પૂર જેવી સ્થિતિને પહોંચી વળવા ઇન્ડિયન આર્મીની બે વિશેષ ટીમો રેસ્ક્યુ વાહનો, બોટ અને આધુનિક બચાવ સાધનો સાથે સુરત પહોંચી ગઈ છે. લીંબાયત વિસ્તારમાં આ ટીમોને તૈનાત કરવામાં આવશે.

સુરતમાં સતત વરસાદ અને ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે શહેરની ખાડીઓના જળસ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ભેદવાડ ખાડીએ ડેન્જર લેવલ વટાવી દેતાં નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ અતિભારે વરસાદની આગાહી સાથે રેડ ઍલર્ટ જાહેર કરતાં સમગ્ર વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક થઈ ગયું છે. સંભવિત પૂર અને બચાવ કામગીરીને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન આર્મીની બે વિશેષ ટીમો સુરત પહોંચી ગઈ છે. આ ટીમો સાથે વિશેષ રેસ્ક્યુ વાહનો, ઇન્ફ્લેટેબલ બોટ, લાઇફ જેકેટ, દોરડા, બચાવ સાધનો અને અન્ય આવશ્યક સામગ્રી પણ લાવવામાં આવી છે. પૂર જેવી સ્થિતિ સર્જાય તો પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા, રાહત સામગ્રી પહોંચાડવા અને બચાવ કામગીરી ઝડપથી શરૂ કરી શકાય તે માટે આ ટીમોને તૈયાર રાખવામાં આવી છે.

મળતી માહિતી મુજબ આર્મીની ટીમોને પ્રાથમિક તબક્કે લીંબાયત વિસ્તારમાં તૈનાત કરવામાં આવશે. લીંબાયત ઉપરાંત ખાડી કાંઠાના અને નીચાણવાળા અન્ય વિસ્તારોમાં પરિસ્થિતિ ગંભીર બનશે તો ત્યાં પણ આર્મીની ટીમોને તાત્કાલિક મોકલવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર, સુરત પાલિકા, ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ, એનડીઆરએફ અને એસડીઆરએફ સાથે સંકલન કરીને આર્મી બચાવ કામગીરી હાથ ધરશે. શહેરની ભેદવાડ, મીઠી, કાંકરા, ભાઠેના અને સીમાડા સહિતની તમામ મુખ્ય ખાડીઓના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે. અગાઉ ભારે વરસાદ દરમિયાન ડેન્જર લેવલ પહેલાં જ કેટલીક ખાડીઓ ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યું હતું. આ વખત ખાડીઓના જળસ્તરમાં વધારો થતાં નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

(12:06 AM IST)