News of Saturday, 28th November 2026
ગુજરાતની ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓને રાષ્ટ્રીય સન્માન મળ્યું, દેશભરમાં સાતમા વર્ષે પણ પર્યાવરણ ક્ષેત્રે ડંકો વગાડ્યો
IGBC ગ્રીન સ્કૂલ્સ પ્રોગ્રામમાં ૭૦૦થી વધુ શાળાઓમાંથી વડોદરા, નવસારી અને આણંદની શાળાઓએ બાજી મારી : ત્રણેયને કુલ રૂપિયા સાત લાખની ગ્રાન્ટ મળી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર : મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા IGBC ગ્રીન બિલ્ડિંગ કોંગ્રેસ-૨૦૨૬ ના ઉદ્ઘાટન સત્રમાં ગુજરાતની ત્રણ સરકારી પ્રાથમિક શાળાઓને રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કારો એનાયત કરાયા છે. ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ અને કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત ‘IGBC ગ્રીન સ્કૂલ્સ પ્રોગ્રામ-૨૦૨૬’ માં સમગ્ર શિક્ષા-ગુજરાતની આ શાળાઓએ પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસના ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને આ સિદ્ધિ મેળવી છે.
‘3W - Water, Waste and Well-being’ થીમ પર આધારિત આ રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશભરમાંથી ૭૦૦થી વધુ શાળાઓએ ભાગ લીધો હતો. તેમાં વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાની પીએમ શ્રી રાજપુરા પ્રાથમિક શાળાએ દ્વિતીય ક્રમ હાંસલ કરીને રૂ. ૨.૭૫ લાખની ગ્રાન્ટ મેળવી છે. નવસારીના ખેરગામ તાલુકાની જામનપાડા પ્રાથમિક શાળાએ ચતુર્થ ક્રમ મેળવી રૂ. ૨.૨૫ લાખની ગ્રાન્ટ પ્રાપ્ત કરી છે, જ્યારે આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાની પીએમ શ્રી પોરડા પ્રાથમિક શાળાએ વિશેષ સન્માન સાથે રૂ. ૨ લાખની ગ્રાન્ટ હાંસલ કરી છે. આમ ત્રણેય વિજેતા શાળાઓને કુલ રૂ. ૭ લાખની પ્રોત્સાહક ગ્રાન્ટ, ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરાયા છે.
આ સ્પર્ધા અંતર્ગત દરેક શાળામાંથી ધોરણ ૭ થી ૯ ના ત્રણ વિદ્યાર્થીઓ અને એક માર્ગદર્શક શિક્ષકની ટીમે ભાગ લીધો હતો. ટીમોએ શાળાને પર્યાવરણલક્ષી અને ટકાઉ બનાવવા માટે જળ સંરક્ષણ, કચરાના યોગ્ય વ્યવસ્થાપન તથા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાધાન્ય આપતા છ નવીન વિચારો રજૂ કર્યા હતા. આ વિચારોનું મૂલ્યાંકન જ્યુરી દ્વારા કરાયું હતું અને અંતિમ રાઉન્ડ માટે પસંદગી પામેલી શાળાઓના આચાર્યો અને વિદ્યાર્થીઓને મુંબઈ ખાતે આમંત્રિત કરાયા હતા.
અંતિમ જ્યુરી રાઉન્ડ માટે પસંદ પામેલી ૫ વિજેતા શાળાઓના આચાર્ય અને ત્રણ વિદ્યાર્થીઓના મુંબઈના પ્રવાસ, નિવાસ અને ભોજન સહિતનો ખર્ચ IGBC દ્વારા કરવામાં આવ્યો હતો. વિજેતા બાળકોએ પોતાના પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન જ્યુરી સમક્ષ રજૂ કર્યું હતું. ગુજરાતની શાળાઓના વિદ્યાર્થીઓએ પોતાના ગામ અને શાળાની વાસ્તવિક પરિસ્થિતિને આધારે તૈયાર કરેલા વ્યવહારુ ઉકેલો રજૂ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્ય મંત્રી રિવાબા જાડેજાના પ્રોત્સાહનથી ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓએ આ ગૌરવપૂર્ણ સિદ્ધિ મેળવી છે. આ સિદ્ધિ રાજ્યની શિક્ષણ ક્ષેત્રે પર્યાવરણલક્ષી પહેલો પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. સરકારી શાળાઓમાં પણ નવીન વિચારો અને ટકાઉ પ્રવૃત્તિઓને યોગ્ય મંચ મળે તો રાષ્ટ્રીય સ્તરે સફળતા મળી શકે છે, તે આ પરિણામે ફરી સાબિત કર્યું છે.
આ સાથે ગુજરાતની શાળાઓએ IGBC ગ્રીન સ્કૂલ્સ પ્રોગ્રામમાં સતત સાતમા વર્ષે રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શનની પરંપરા જાળવી રાખી છે. આગામી વર્ષોમાં વધુ શાળાઓ આ પ્રકારના કાર્યક્રમોમાં જોડાય અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓને શાળાના રોજિંદા શિક્ષણનો ભાગ બનાવે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવશે.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
