News of Tuesday, 23rd June 2026
કતારની ગૅસ કંપનીમાં સર્જાયેલા ભયાનક વિસ્ફોટ બાદ સુરત, ભીમપોર અને દમણના ત્રણ ભારતીય યુવકો ગુમ
સુરતના સ્થાનિક આગેવાનો અને વહીવટી તંત્ર દ્વારા પણ વિદેશ મંત્રાલયનો સંપર્ક સાધીને લાપતા યુવાનો અંગેની સચોટ માહિતી મેળવવાના પ્રયાસો તેજ

ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે વિદેશ ગયેલા સુરત અને દક્ષિણ ગુજરાતના પરિવારો પર અચાનક આભ તૂટી પડ્યું છે. ખાડી દેશ કતારની એક પ્રતિષ્ઠિત ગૅસ કંપનીમાં સર્જાયેલા ભયાનક વિસ્ફોટ બાદ સુરત, ભીમપોર અને દમણના ત્રણ ભારતીય યુવકો ગુમ હોવાના આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ઘટનાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને વિદેશ મંત્રાલય સક્રિય બન્યા છે, તો બીજી તરફ વતનમાં રહેતા પરિવારોના જીવ અધ્ધર થઈ ગયા છે.
પ્રાથમિક અહેવાલો અને અનુમાન મુજબ, કતારમાં આવેલી આ ગૅસ કંપનીનો એક પ્લાન્ટ કેટલાક સમયથી બંધ હતો. કારણ કે, ઈરાને મિસાઈલથી હુમલો કર્યો હતો. જે બાદ આ બંધ પ્લાન્ટને ફરીથી કાર્યરત કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી, તે દરમિયાન અચાનક કોઈ ગંભીર ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. આ ખામી એટલી વિકરાળ સાબિત થઈ કે આખા પ્લાન્ટમાં એક ભયાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે કંપનીનો મોટો હિસ્સો ધરાશાયી થઈ ગયો હતો. આ અકસ્માતમાં 56 જેટલા શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 18 જેટલા શ્રમિકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
આ ભયાનક દુર્ઘટના બાદથી જ સુરતના ભીમપોર વિસ્તારના રહેવાસી 35 વર્ષીય સન્ની પટેલ સહિત દક્ષિણ ગુજરાત અને દમણના કુલ ૩ યુવકોનો કોઈ પતો લાગી રહ્યો નથી. બ્લાસ્ટ થયો ત્યારથી જ આ ત્રણેય યુવાનો લાપતા છે. સન્ની પટેલના મોટાભાઈ રવિ પટેલે tv 13 Gujarati સમક્ષ ભારે હૈયે જણાવ્યું કે, "અમે સરકાર અને વહીવટી તંત્રને આજીજી કરીએ છીએ કે ગમે તેમ કરીને મારા ભાઈ સન્નીને શોધી આપવામાં આવે."
પરિવારના કાકી લક્ષ્મીબેને પણ રડતી આંખે વહીવટી તંત્ર અને સરકાર પાસે મદદની પોકાર લગાવી છે. વિદેશની ધરતી પર બનેલી આ ઘટનાને કારણે સ્થાનિક તંત્ર સાથે સંપર્ક સાધવામાં મુશ્કેલી પડી રહી હોવાથી પરિવારજનો ભારે અસમંજસ અને ચિંતામાં ડૂબેલા છે.
હાલમાં કતાર સ્થિત ભારતીય દૂતાવાસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. કાટમાળ હટાવવાની પ્રક્રિયા પણ ચાલુ છે. સુરતના સ્થાનિક આગેવાનો અને વહીવટી તંત્ર દ્વારા પણ વિદેશ મંત્રાલયનો સંપર્ક સાધીને લાપતા યુવાનો અંગેની સચોટ માહિતી મેળવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. પીડિત પરિવારો ઈચ્છી રહ્યા છે કે સરકાર વહેલી તકે દૂતાવાસ મારફતે સત્તાવાર માહિતી મેળવીને યુવાનોની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરે.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
